ભરૂચઃ જિલ્લામાં કેમિકલ સહિતના ઉદ્યોગોને કારણે પર્યાવરણને નુકશાન થતું હોય છે. કેટલાક ઉદ્યોગો પ્રદુષિત પાણી આજુબાજુના વિસ્તારોમાં છોડતા હોવાથી પશુઓને પણ અસર થતી હોય છે. ત્યારે જિલ્લાના વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલા કચ્છીપુરા ગામ ખાતે કેમિકલયુક્ત પાણી પીતા એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો. એક બાદ એક અચાનક ટપો-ટપ ઊંટ એ ડમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકસાન થયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામા વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે 25 થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા લગતા પશુપાલકોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. સૂકાભંઠ આ વિસ્તારમાં કેમિકલયુક્ત વેસ્ટ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય બન્યો છે જયારે મામલે સંલગ્ન સરકારી એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી મુજબ કેમિકલયુક્ત પાણી પીવાના કારણે 25 ઊંટના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક સાથે 25 જેટલાં ઊંટના મોત બાદ પશુપાલકે આ મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણનાં દુશ્મન કેટલાક જવાબદાર તત્વોનાં કારણે આ પ્રકારે ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પશુપાલકે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી તંત્રના નીતિ નિયમોને નેવે મૂકી દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાંસમાં કેમિકલયુક્ત પાણી બિન્દાસ અને બે ફિકેરાઈથી છોડવામાં આવતું હોવાનું કહેવાય છે. પશુ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ આ પ્રકારના કેમિકલયુક્ત પાણીના કારણે મોતને ભેટી જતા હોય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા અને આલીયાબેટ મળી ઊંટની સંખ્યા 1000 આસપાસ છે. ડાયાબિટીસ નિયંત્રણ માટે ઊંટના દૂધના ઉપયોગ બાદ દૂધ માટે ઊંટની માંગ વધી છે. પશુપાલકો માટે વર્ષોથી આવક માટે નિરુપયોગી રહેલા ઊંટ હવે કામધેનું સાધન બની રહ્યા છે. 25 જેટલા ઊંટ મોતને ભેટતા આ ઘટનાથી પશુપાલકોમાં દુઃખ સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. (file photo)