RSS ઉપર પ્રતિબંધની કોંગ્રેસ કોશિશ કરશે તો પ્રજા જવાબ આપશે, BJPના પ્રિયંક ખડગે પર પ્રહાર
બેંગ્લોરઃ કર્ણાટક સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ દક્ષિણના રાજ્યમાં આરએસએસ અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કર્યા બાદ વિવાદ સર્જાયો છે. કર્ણાટક બીજેપી અધ્યક્ષ નલિન કુમારએ પ્રિયંક પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ બજરંગ દળ અથવા આરએસએસ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરશે તો તેનો રાજકીય રીતે સફાયો થશે.
કર્ણાટક બીજેપી અધ્યક્ષે કહ્યું, “પ્રિયંક ખડગેએ RSS પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને નરસિમ્હા રાવની સરકારોએ પણ તેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.” પણ સફળ થઈ શક્યા નહીં. નલિન કુમારે કહ્યું, “જો કોંગ્રેસ બજરંગ દળ અને આરએસએસ પર પ્રતિબંધ મૂકવાની કોશિશ કરશે તો તે બળીને રાખ થઈ જશે. પ્રિયંક ખડગે માટે દેશના ઈતિહાસ વિશે શીખવું વધુ સારું છે. તેમણે પોતાની જીભ પર નિયંત્રણ રાખવું જોઈએ.”
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે બજરંગ દળ ઉપર પ્રતિબંધ ફરમાવવાનું વચન આપ્યું હતું. જે બાદ વિવાદ વકરતા કોંગ્રેસ બચાવની સ્થિતિમાં મુકાઈ હતી. જો કે, ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે કોંગ્રેસ હિજાબ અને ગૌહત્યા પરનો પ્રતિબંધ હટાવવાની સાથે આરએસએસ-બજરંગ દળ ઉપર પ્રતિબંધ માટે વિચારણા શરુ કરી હોવાના પ્રિયંક ખડગેએ સંકેત આપ્યાં હતા. જેથી વિવાદ વકર્યો છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં વિવાદ વધારે વકરે તેવી શકયતા છે.