અમદાવાદ : લગભગ બે મહિના સુધી ચાલનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનનો આજે (28 મે) નિર્ણય લેવામાં આવશે. આ ટાઇટલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે.
ચેન્નાઈ પ્રથમ ક્વોલિફાયર જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ ગુજરાતે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે આઈપીએલના ઈતિહાસમાં આવો અદ્ભુત સંયોગ બની ગયો છે જે આજ સુધી બન્યો નથી. તેને એક અદ્ભુત રેકોર્ડ પણ કહી શકાય.
આ રેકોર્ડ શરૂઆતની મેચ અને ફાઈનલ સાથે સંબંધિત છે. વાસ્તવમાં, IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો એક જ સિઝનની ફાઇનલમાં પહોંચી હોય. ગુજરાત ફાઈનલમાં પહોંચતાની સાથે જ આ રેકોર્ડ બની જવાનો છે. હવે બંને ટીમો મેદાનમાં ઉતરતાની સાથે જ આ રેકોર્ડ પર મહોર લાગી જશે.
વર્તમાન સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે 31 માર્ચે અમદાવાદમાં રમાઈ હતી. ત્યારબાદ ગુજરાતે તે મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આ પછી ક્વોલિફાયર-1માં પણ ચેન્નાઈ અને ગુજરાત ટકરાયા હતા. જ્યાં ચેન્નાઈએ જીત મેળવીને બદલો લીધો અને સાથે જ ફાઈનલમાં પ્રવેશ કર્યો.
IPLમાં 5 વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના નામે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019, 2020 સીઝનમાં આ તમામ ખિતાબ જીત્યા છે. આ સિવાય ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે બીજી સૌથી વધુ 4 વખત (2010, 2011, 2018, 2021) ટાઇટલ જીત્યું છે.