લિબિયાની કોર્ટે ISના 23 આતંકવાદીઓને મોતની સજાનો આદેશ
- અદાલતે 14 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી
- આતંકવાદી જૂથ આઈએસ લિબિયા સહિત અન્ય દેશોમાં સક્રિય
- 2016ના અંતમાં આતંરરાષ્ટ્રીય ગઠબંધન દળોએ કરી હતી ધરપકડ
નવી દિલ્હીઃ લિબિયાના મિસરાતાની એક અદાલતે રશિયામાં પ્રતિબંધિત આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના 23 આતંકવાદીઓને મૃત્યુદંડ અને અન્ય 14ને આજીવન કેદની સજા ફરમાવી છે.
રિપોર્ટ અનુસાર, કેટલાક આરોપીઓ સીરિયા, ટ્યુનિશિયા અને સુદાનથી લિબિયા આવ્યા હતા. 2016ના અંતમાં આંતરરાષ્ટ્રીય ગઠબંધન દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન તમામ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. IS એક આતંકવાદી ઇસ્લામિક જૂથ છે, જે મુખ્યત્વે સીરિયા અને ઇરાકમાં સક્રિય છે. 2014 થી 2019 સુધી, તે યુએસ તેમજ રશિયાની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય લશ્કરી જોડાણ દ્વારા પરાજિત થયું હતું.
રશિયામાં આ જૂથ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ 2021માં કહ્યું હતું કે, સીરિયા અને ઈરાકમાં આઈએસના ખાત્મા પછી આ આતંકવાદી જૂથ લિબિયા સહિત અન્ય દેશોમાં સક્રિય છે. દરમિયાન લિબિયાની એક અદાલતે આઈએસના લગભગ 37 આતંકવાદીઓને કસુરવાર ઠરાવ્યાં હતા.
અદાલતે 23 આતંકવાદીઓને મોતની સજા અને 14 આરોપીઓને આજીવન કેદની સજાનો નિર્દેશ કર્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની સામે ભારત સહિતના મોટાભાગના દેશોએ લાલઆંખ કરી છે. આઈએસ સાથે જોડાયેલા શખ્સોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. એટલું જ નહીં ભારત સહિત દુનિયાના અનેક દેશો આતંકવાદથી પીડિત છે જેથી આતંકવાદને નાથવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.