દેશમાં સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, 16 હજાર કરોડથી વધારેની નિકાસ
નવી દિલ્હીઃ દેશની સંરક્ષણ નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. વર્ષ 2013-14માં તે 686 કરોડ રૂપિયા હતી, જે વધીને 2022-23માં લગભગ 16 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. વૃદ્ધિનો આ આંકડો સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ સુચવે છે. ભારતમાંથી 85 થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરવામાં આવે છે. આ કામમાં 100 જેટલી સંરક્ષણ નિકાસ કરતી કંપનીઓ કાર્ય કરી રહી છે. સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે છેલ્લા નવ વર્ષમાં અનેક નીતિગત પગલાં લીધા છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ લેવામાં આવેલા પગલાઓએ દેશમાં સંરક્ષણ સાધનોની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનને નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે.
ભારતના સંરક્ષણ ઉદ્યોગે વૈશ્વિક ધોરણોને અનુરૂપ ઉત્પાદન કરવાની ક્ષમતા દર્શાવી છે. હાલમાં સોથી વધુ કંપનીઓ સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે દેશની સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા નવ વર્ષ દરમિયાન અનેક નીતિગત પગલાં લીધાં છે. અગાઉની સરખામણીમાં નિકાસની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. આનાથી ઉદ્યોગ માટે કામ કરવાનું સરળ બની રહ્યું છે. સંરક્ષણ ઉત્પાદનોની નિકાસના મામલે પણ સરકાર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આત્મનિર્ભર ભારત પહેલથી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને પણ ફાયદો થયો છે. આનાથી દેશમાં ઉત્પાદિત સંરક્ષણ ઉત્પાદનોની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનમાં નવા પ્રયોગોનો માર્ગ મોકળો થયો છે. સરકારની વિવિધ પહેલોના પરિણામે, વિદેશી સંરક્ષણ ઉત્પાદનો પર દેશની નિર્ભરતા પણ વર્ષોથી ઘણી હદ સુધી ઘટી છે.