અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરની નો વિચાર આપેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ વિચારધારાને આગળ ધપાવતાં સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના જે ધોરણો નિર્ધારીત કરાયાં છે તેમાં ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે. આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ‘‘ગુડ ગવર્નન્સ’’ના મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે.