સૌર ઊર્જા ઉત્પાદન માટે સોલાર પેનલ સિસ્ટમ અપનાવવામાં દેશમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકામાં વીજ ઉત્પાદનમાં સારોએવો વધારો થયો છે. જેમાં રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે સૌર ઊર્જા ઉત્પાદનમાં પણ વધારો થયો છે. અને સોલાર પેનલ સિસ્ટમ અપનાવવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જાન્યુઆરીથી માર્ચમાં સમગ્ર ભારતમાં 1.9 ગીગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેકટ ઈન્સ્ટોલ થયા હતા તેમાંથી 19 ટકા માત્ર ગુજરાતમાં હતાં. જો કે, કર્ણાટકમાં 21 ટકા તથા રાજસ્થાનનો હિસ્સો 42 ટકા હતો. આ બન્ને રાજયો ગુજરાતથી આગળ હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌર ઊર્જા ઉત્પાદન માટે સોલાર પેનલ-સિસ્ટમ અપનાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું જ છે. ચાલુ કેલેન્ડરવર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોલાર ઈન્ટરનેશનલમાં 85 ટકાનો મોટો વધારો થયો છે. મહત્વની વાત એ છે. કે, દેશમાં આ ઈન્સ્ટોલેશનમાં સરેરાશ 30 ટકાનો ઘટાડો છે. ભારતીય સોલાર માર્કેટ રિપોર્ટમાં જણાવાયા મુજબ જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન ગુજરાતમાં 261 મેગાવોટના સોલાર ઈન્સ્ટોલ થયા હતા જે ગત ત્રિમાસિક ગાળાના 141 મેગાવોટ કરતા 85 ટકા વધુ હતું. સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતાના વૃદ્ધિદરમાં ગુજરાત સતત ત્રીજા ક્રમે રહ્યું છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા 500 મેગાવોટનો સોલાર પ્રોજેકટ શરૂ કર્યો અને આ પ્રોજેકટથી સૌર ઉર્જા ક્ષમતામાં આ મોટો વધારો શકય બન્યો હતો. રાજય સરકાર દ્વારા રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન તથા સરળ-પ્રોત્સાહક સોલાર નીતિ પણ આ વૃદ્ધિ માટે કારણરૂપ છે. ઈન્ટરનેશનલ સોલાર એનર્જી સોસાયટીના બોર્ડ ડાયરેકટર જયદીપ માલવિયાએ કહ્યું કે ગુજરાતની સોલાર નીતિ શ્રેષ્ઠ છે. રૂફટોપ તથા મોટા પ્રોજેકટમાં સહાય તથા તત્કાળ ઈન્સ્ટોલેશન છે. સોલાર પાર્ક પ્રોજેકટ તથા મોટા ઈન્સ્ટોલેશન પણ પાઈપલાઈનમાં છે. બીજી તરફ દેશના અન્ય ભાગોમાં સોલાર ઈન્સ્ટોલેશનમાં 30 ટકાનો ઘટાડો છે. આગલા વર્ષે અનેક પ્રોજેકટ સ્થગિત કરાયા હોવાથી આ સ્થિતિ છે. જાન્યુઆરીથી માર્ચમાં સમગ્ર ભારતમાં 1.9 ગીગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેકટ ઈન્સ્ટોલ થયા હતા તેમાંથી 19 ટકા માત્ર ગુજરાતમાં હતાં. જો કે, કર્ણાટકમાં 21 ટકા તથા રાજસ્થાનનો હિસ્સો 42 ટકા હતો. આ બન્ને રાજયો ગુજરાતથી આગળ હતા.