પાલનપુરઃ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે અષાઢી માહોલ સર્જાયો હતો, જેમાં બનાસકાંઠામાં ગઈ રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આજે વહેલી સવારથી ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં દાંતા અને ધાનેરામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી લોકોએ ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો. જો કે ડિસા સહિતના વિસ્તારોમાંમાં અસહ્ય બફારા બાદ વરસાદ પડ્યો હતો..
ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની અગાહી કરવામાં આવી છે, ત્યારે ગત રાત્રે ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કરાં પણ પડ્યા હતા. બનાસકાંઠાના લાખણી તાલુકામાં 40 મી.મી, તથા વડગામ, ધાનેરા અને દાંતીવાડા, વાવ અને ડીસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.
ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની અગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી ભારે પવન સાથે જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પાલનપુરના ચિત્રાસણીમાં કરા સાથે ભારે પવન વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં વારંવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવું પડ્યું છે. અઠવાડિયા અગાઉ જ આવેલા ભારે વાવાઝોડાએ પણ બનાસકાંઠા જિલ્લામાં તબાહી મચાવી હતી. ઘર અને તબેલાના શેડ ઉડી જતા ભારે નુકસાન થયું હતું, ત્યારબાદ આજે સવારથી વરસાદ સાથે ભારે પવન ફુંકાયા હતો. આકાશ વાદળોથી ગોરંભાયેલું છે. બે દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.