અમદાવાદમાં કાલે સોમવારે મુખ્યમંત્રીના હસ્તે વધુ એક ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરાશે
ગાંધીનગરઃ અમદાવાદ શહેરને વધુ એક ઓક્સિજન પાર્કની આવતીકાલે સોમવારે ભેટ મળશે. આગામી 5 જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરાશે. શહેર નજીક આવેલા ત્રાગડ વિસ્તારમાં ઓક્સિજન પાર્ક 24,270 ચો. મી જેટલા વિસ્તારમાં આકાર પામશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનારા ઓક્સિજન પાર્કમાં ‘મિયાવાકી’ પદ્ધતિથી 75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે આ પાર્કમાં 7500 જેટલાં વૃક્ષો લગાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકાર પામનારા આ ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો મૂકવામાં આવશે. નયનરમ્ય તળાવ, આકર્ષક લોન પ્લોટ, વોકિંગ ટ્રેક, આકર્ષક ગજેબો બનાવવામાં આવશે. આ ઉપરાંત ફિટનેસ માટે ઓપન જિમ્નેશિયમનું પણ નિર્માણ કરવામાં આવશે. અને યોગા પોઇન્ટ પણ બનાવવામાં આવશે. તથા બાળકો માટે રમત-ગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવશે.
અમદાવાદ શહેરમાં વિકાસ કામોને લીધે અડચણરૂપ બનતા અનેક વૃક્ષો ઘડમુળમાંથી કપાયા છે. બીજીબાજુ શહેરમાં ક્રોંક્રિટના જંગલસમા બિલ્ડિંગો વધતા જાય છે. એટલે શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ગ્રીન કવર વધારવું જરૂરી છે. શહેરમાં ચોમાસા દરમિયાન દર વર્ષે મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. પરંતુ રોપાઓ માવજતના અભાવે મુરઝાઈ જતાં હોય છે. એટલે રોપાઓની બે-ત્રણ વર્ષ સારી માવજત કરવામાં આવે તે જરૂરી છે.
શહેરના મેયર કિરીટભાઈ પરમાર જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને લીલુંછમ બનાવી ગ્રીન કવરના વિસ્તારમાં વધારો થાય તે દિશામાં સતત કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે મ્યુનિ. કોર્પોરેશન શહેરીજનો માટે વધુ એક ઓક્સિજન પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આ સમગ્ર ઓક્સિજન પાર્કને મિયાવાકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવશે.