દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બંને પક્ષો મળ્યા હતા. ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે અમિત શાહ કુસ્તીબાજોને મળ્યા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુસ્તીબાજોએ અમિત શાહ પાસે WFIના પૂર્વ અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી છે. આ પછી, ગૃહ પ્રધાને કુસ્તીબાજો સાથે કોઈપણ ભેદભાવ વિના સંપૂર્ણ તપાસની ખાતરી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર કુસ્તીબાજોએ જ અમિત શાહ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. અમિત શાહે કહ્યું કે આ મામલે કાયદો પોતાનો માર્ગ અપનાવશે. પોલીસ તપાસ કરી રહી છે. તેણે કુસ્તીબાજોને પણ પૂછ્યું કે શું પોલીસને તેમનું કામ કરવા માટે સમય ન આપવો જોઈએ.
રવિવારે ઓલિમ્પિયન સાક્ષી મલિકની માતા સુદેશ મલિકે દાવો કર્યો હતો કે સાક્ષી, વિનેશ અને બજરંગ શનિવારે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. લગભગ એકથી દોઢ કલાક ચાલેલી બેઠકમાં ગૃહમંત્રીએ ત્રણેય ખેલાડીઓને જોશને બદલે સમજદારીથી કામ કરવા જણાવ્યું હતું.
સુદેશ મલિકે જણાવ્યું કે શાહે કુસ્તીબાજોને આંદોલન ખતમ કરવા સમજાવતા કહ્યું કે કોઈપણ ખેલાડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. મીટિંગ દરમિયાન, કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણની ધરપકડનો આગ્રહ કર્યો. આ અંગે શાહે કહ્યું કે, કાયદાકીય પ્રક્રિયા હેઠળ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.