અમદાવાદઃ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લીધે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજીને તકેદારીના ભાગરૂપે કાર્યવાહી માટેની સૂચના આપવામાં આવી હતી. ભારે પવન અને વરસાદની આગાહીને પગલે શહેરમાં જ્યાં પણ ભયજનક મકાનો, હોર્ડિંગસ તેમજ ઘટાદાર વૃક્ષો હોય તેને ઉતારી લેવાની જણાવ્યું છે. વાવાઝોડા અને વરસાદને લઇ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેના માટે તમામ અધિકારીઓને ફિલ્ડમાં અને પોતાના વિસ્તારમાં તકેદારી રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમોને એલર્ટ મોડ પર રહેવાની સુચના આપવામાં આવી છે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે વાવાઝોડાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલા તમામ વોર્ડમાં જર્જરિત કે ભયગ્રસ્ત મકાનો, હોર્ડીંગ્સ તેમજ વૃક્ષોને ટ્રીમિંગ કરવા માટે અધિકારીઓને સુચના આપવામાં આવી છે. કંટ્રોલ રૂમ, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત રાખવી વગેરેની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવી છે. કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશનો 24 કલાક એલર્ટ મોડ પર રહેશે. પૂર્વ તૈયારીના ભાગરુપે ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગ દ્વારા 85 વુડન કટર, 65 સ્લેબ કટર, 15 ઈમર્જન્સી ટેન્ડર, 10 બોટ તૈયાર રાખવામાં આવ્યા છે. સ્ટ્રીટલાઈટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલા સ્ટ્રીટલાઈટ પોલનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી કુલ 1,31,478 સ્ટ્રીટલાઈટ પોલનું ચેકીંગ પૂર્ણ કરાયું છે. જ્યારે બાકીના સ્ટ્રીટલાઈટ પોલ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. બગીચા વિભાગ દ્વારા શહેરમાં ટ્રી ટ્રીમીંગની કામગીરી દરમિયાન સાત ઝોનમાં મળીને કુલ 988 જેટલા વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં આવેલ વિવિધ જાહેરાત સાઈટોના સ્ટ્રક્ચરની ચકાસણી કરી ભયજનક જણાય તેવા સ્ટ્રક્ચરનું રીપેરીંગ/ઉતારી લેવાની કામગીરી હાથ ધરવા સંબંધિત એજન્સીઓને એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું. કામચલાઉ પ્રકારના હોર્ડિંગ્સ બેનર દુર કરવા સૂચના આપવામાં આવી છે. ટી.ડી.ઓ. વિભાગ દ્વારા હાલમાં ચાલુ બાંધકામની 721 કન્સ્ટ્રકશન સાઈટ ઉપર જરુરી બેરીકેટીંગ / પાલખ વિગેરે કરી સુરક્ષાને લગતી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજન્ટ વિભાગ દ્વારા ઝોનલ કંટ્રોલ રુમ દિઠ 20 સફાઈ કામદારો હાજર રાખવામાં આવશે. છે. તેમજ વાવાઝોડાની અસર બાદ ઉદભવતી પરિસ્થિતી માટે અમદાવાદ શહેરના આસપાસના વિસ્તારોમાં પણ જરુરીયાત જણાયે પૂરા પાડવા માટે 200 સફાઈ કામદારોની ટીમનું બનાવામાં આવી છે.