અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ખતરો પણ વધ્યો હતો.
અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. આ ઉપરાંત રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયુ હતું. કોટડા સાંગાણી તાલુકાના શાપર અને વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો હતો.
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના માનવા પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો છે. વાાવઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 320 કિલોમીટર દૂર છે. જેથી દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 12, 13, 14, 15, 16 અને 17 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 15 જૂને વાવાઝોડું ટકરાયા બાદ 16 તારીખ સુધી વરસાદ રહેશે. જુઓ કયા દિવસોમાં ક્યા ક્યા વરસાદ પડશે.
રાહત કમિશનર પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. 14 અને 15 જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે 125 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે તારીખ 13 જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી ૦ થી 5 કિ.મી. અને ત્યારબાદ 5 થી 10 કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને પ્રાધાન્ય આપવામાં આવશે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.