મણિપુરમાં ફરી હિંસા ભડકી-ખમેનલોકમાં થયેલ ગોળીબારમાં 9 લોકોના મોત,10 ઘાયલ
ઈમ્ફાલ:મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રાજ્યના ખામેનલોક વિસ્તારમાં ફાયરિંગ દરમિયાન નવ લોકોના મોત થયા છે. સેનાના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
તાજી હિંસા ફાટી નીકળ્યા બાદ છેલ્લા 24 કલાકમાં એક મહિલા સહિત નવ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખામેનલોક વિસ્તારમાં મોડી રાત્રે થયેલા ફાયરિંગની ઘટનામાં આ મોત થયા છે.
ઘણા ઘાયલોને સારવાર માટે ઈમ્ફાલ લઈ જવામાં આવ્યા છે. હિંસામાં માર્યા ગયેલા લોકોમાંથી કેટલાકના શરીર પર કટના નિશાન છે અને ઘણાને ગોળીઓના ઘા છે.
વંશીય અથડામણોને કારણે એક મહિનાથી વધુ સમયથી તંગ બનેલા ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસાના નવા રાઉન્ડને પગલે કર્ફ્યુમાં છૂટછાટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મણિપુરમાં હિંસામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત થયા છે, જ્યારે 40,000 લોકો વિસ્થાપિત થયા છે. અવાર-નવાર હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસની સાથે સેના અને આસામ રાઈફલ્સના જવાનો પણ અહીં તૈનાત છે. જેના કારણે હિંસા પર અમુક હદ સુધી કાબૂ મેળવવામાં સફળતા પણ મળી છે.
રાજ્યમાં શાંતિ જાળવવા માટે કેન્દ્ર સરકારે શાંતિ સમિતિની રચના કરી છે. સોમવારે, મૈઈતી અને કુકી સમુદાયોના અગ્રણી નાગરિક સમાજ સંગઠનોએ શાંતિ સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. 1 જૂનના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યમાં તણાવ ઘટાડવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે એક પેનલની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.