- 26 લાખ શ્રદ્ધાળુઓએ કરી ચારધામની યાત્રા
- 19199 શ્રદ્ધાળુઓ પહોંચ્યા બદ્રીનાથ ધામ
દહેરાદુન: ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામમાં પહોંચનારા તીર્થયાત્રીઓની સંખ્યા 26 લાખથી વધુ થઈ ગઈ છે. મંગળવાર સુધી 7 લાખ 80 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામના દર્શન કરી ચુક્યા છે. અગાઉ 11 જૂન, 19199 તીર્થયાત્રીઓએ બદ્રીનાથની મુલાકાત લીધી હતી જ્યારે 12 જૂને 14902 યાત્રાળુઓએ મુલાકાત લીધી હતી.
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગૌરે જણાવ્યું કે બદ્રીનાથ-કેદારનાથ યાત્રા સતત ચાલી રહી છે. કેદારનાથ ધામ પહોંચતા યાત્રિકોનો સિલસિલો યથાવત છે, મંગળવાર સુધી યાત્રાળુઓની સંખ્યા 9 લાખથી વધુ થઈ ગઈ છે. સોમવારે 21 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા છે. આ રીતે બદ્રીનાથ-કેદારનાથ પહોંચનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 17 લાખની નજીક છે.
બીજી તરફ, ગંગોત્રી ધામમાં ચાર લાખ પંચ્યાસી હજારથી વધુ શ્રદ્ધાળુઓ અને સવા ચાર લાખ ભક્તોએ યમુનોત્રી ધામની મુલાકાત લીધી છે. આ રીતે મંગળવાર સુધીમાં 26 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે. હેમકુંટ સાહિબ પહોંચનાર યાત્રિકોની સંખ્યા 56 હજાર છે અને 32 હજાર યાત્રિકોએ ત્રીજા કેદાર તુંગનાથજીના દર્શન કર્યા છે અને 2.5 હજાર બીજા કેદાર મદમહેશ્વર પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં ભક્તો ચારધામની મુલાકાત લેતા હોય છે.ત્યારે ચાર ધામની યાત્રાએ આવતા ભક્તોની સંખ્યા 26 લાખથી વધુ થઈ ગઈ છે.અને હજુ પણ આ સંખ્યા વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. 3 મેના રોજ યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખોલવામાં આવ્યા હતા જયારે 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથ ધામના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા.