અમદાવાદઃ બિપરજોય ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધતા આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયા કિનારાને પાર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન પ્રતિ કલાકે 125 થી 135 કિમી ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 17 અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના નવલખી પોર્ટ પર બિપરજોય વાવાઝોડાને લઈને જરૂરી તકેદારીનાં તમામ પગલાં લેવાઈ ચૂક્યા છે. તેમજ વાવાઝોડાનો પાથ આજે બપોરનાં ચાર વાગ્યા બાદ નક્કી થાય તેવું જણાઈ રહ્યું છે. આ સંદર્ભે નવલખીના પોર્ટ ઓફિસર, કેપ્ટન બી.એન.લાડવાએ જણાવ્યું હતું કે, નવલખી પોર્ટ પર હાલ તાકીદની અસરથી તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે. તેમજ પોર્ટમાં પ્રવેશબંધી કરાઈ છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઓખા કોસ્ટ ગાર્ડ સ્ટેખાતે કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સહિત વહીવટી તંત્ર સાથે બિપોરજોય વાવાઝોડા સંદર્ભે ચર્ચાઓ કરી હતી. બચાવ કામગીરી માટે NDRF-SDRFની ટીમો તહેનાત કરાઈ છે. દેવભૂમિ દ્વારકાથી યાત્રાધામ બેટ દ્વારકામાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. બેટ દ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે ફેરી બોટ સર્વિસ છેલ્લા 3 દિવસથી બંધ કરવામાં આવી છે. જિલ્લામાં અનેક સ્થળોએ વાતાવરણ બદલાયુ છે. હવામાન વિભાગે દ્વારકામાં આજે મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જિલ્લા વહીવટી તંત્ર કુદરતી આપદા સામે સંપૂર્ણ સજ્જ થયું છે.
બિપરજોય વાવાઝોડાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાબદું કરી દેવામાં આવ્યું છે. જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તારીખ 14 અને 15 એમ બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા નાગરિકોને ખાસ સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે.
બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટ પશ્ચિમ રેલવે મંડળ આગોતરી તૈયારીઓથી સજ્જ થયું છે. ડીઆરએમ અનિલ જૈનના નેતૃત્વ હેઠળ સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઈમરજન્સી કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. ડી.આર.એમ અનિલ જૈને જણાવ્યું હતું કે, યાત્રીઓની સલામતીને ધ્યાને લઇ રાજકોટ-ઓખા,રાજકોટ-વેરાવળ અને રાજકોટ-પોરબંદર સેકશનની ટ્રેનો રદ્દ કરી છે. 36 ટ્રેનો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે, 73 ટ્રેનોને રૂટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.
જેતપુરના તમામ કારખાના અને દુકાનો બંધ બે દિવસ બંધ રાખવા અપીલ કરાઈ છે. 236 જેટલા શેલ્ટર હોમ ફ્રુડ પેકેટ સાથે તૈયાર રાખવામાં આવ્યા છે, 4 હજાર લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે.