બિપરજોય ચક્રવાત: ઓડિશાના ‘સુપર સાયક્લોન’ થી લઈને ‘અમ્ફાન’ સુધી, ભારતના 5 ખતરનાક તોફાન વિશે અહીં જાણો
અમદાવાદ:દરિયામાં 30 થી 40 ફૂટ ઉંચા મોજા, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, તબાહીની આશંકા અને સેના અને એનડીઆરએફ તૈનાત… ચક્રવાત બિપરજોયના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. આ ચક્રવાતની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળશે.
બિપરજોય 15 જૂનની સાંજે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીના દરિયાકાંઠે ટકરાશે. પરંતુ આ પહેલું ચક્રવાત નથી, જેણે લોકોના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચી છે. આ પહેલા પણ આવા અનેક દરિયાઈ તોફાનો આવી ચૂક્યા છે, જેના કારણે ઘણો વિનાશ થયો છે. તો આવો જાણીએ આવા જ કેટલાક ચક્રવાત વિશે…
સૌથી પહેલા વાત કરીએ 1999માં ઓડિશામાં આવેલ સુપર સાયક્લોનની. આ ચક્રવાતમાં લગભગ 10 હજાર લોકો માર્યા ગયા હતા. તેને 20મી સદીનું સૌથી ખતરનાક ચક્રવાત માનવામાં આવે છે.
અહેવાલો અનુસાર, તોફાન (BOB 1) એ લગભગ 13 મિલિયન લોકોને અસર કરી છે. 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવને બધું તબાહ કરી નાખ્યું હતું. દરિયામાં 6 થી 7 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા.
હવે વાત કરીએ ચક્રવાત અમ્ફાનની. મે 2020 માં ભારત અને બાંગ્લાદેશના પૂર્વીય ભાગને ચક્રવાત અમ્ફાન દ્વારા ફટકો પડ્યો હતો. આ સુપર સાયક્લોને 190 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વૃક્ષો અને મકાનો ધરાશાયી કર્યા હતા. આ વાવાઝોડામાં ભારતમાં 98 લોકોના મોત થયા હતા. બંગાળ અને ઓડિશાના 5,00,000 થી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા.
ચક્રવાત અમ્ફાન COVID-19 રોગચાળા દરમિયાન આવ્યું હતું. જેના કારણે ફસાયેલા લોકોને પુરતી માનવીય સહાય પૂરી પાડવી વધુ મુશ્કેલ બની ગઈ હતી. તેમ છતાં સેના અને અન્ય બચાવ ટુકડીઓએ સામૂહિક પ્રયાસ સાથે અદ્ભુત કાર્ય કર્યું અને હજારો લોકોના જીવ બચાવ્યા.
2021માં ગુજરાતે Cyclone Tauktae નો સામનો કર્યો હતો. એક દાયકામાં અરબી સમુદ્રમાં ત્રાટકેલું તે સૌથી ભયંકર વાવાઝોડું હતું. આ દરમિયાન લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે મકાનો, વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ઉખડી ગયા હતા.
રિપોર્ટ્માં એવું કહેવામાં આવ્યું છે કે વાવાઝોડાના કારણે ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે લગભગ 70 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 8000થી વધુ પશુઓના પણ મોત થયા હતા. લગભગ 88000 ઘરોને નુકસાન થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ચક્રવાત ફાની 2019 માં ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પુરી સહિત અનેક વિસ્તારોમાં તેણે ભયંકર તબાહી મચાવી હતી. તે સમયે 200 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનના માર્ગમાં જે કંઈ આવ્યું તે બરબાદ થઈ ગયું. આ તોફાનમાં લગભગ 100 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 કરોડથી વધુ લોકોને બચાવી લેવાયા હતા.
Cyclone Ockhi 2017માં દક્ષિણ ભારતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તેણે કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં તબાહી મચાવી હતી. આ તોફાનમાં 300 લોકોના મોત થયા હતા. તે ગર્વની વાત છે કે લાખો લોકોને સમયસર ખતરનાક ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવ્યા, નહીંતર મૃતકોની સંખ્યા હજારોમાં હોત. ચક્રવાત ઓખી જ્યારે તેની ટોચ પર હતું ત્યારે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. 1890 પછી કેરળમાં ત્રાટકનાર ઓખી માત્ર ચોથું ચક્રવાત હતું.
હવે સાયક્લોન બિપરજોયના કારણે તબાહી સર્જાવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે કહ્યું કે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ રાજ્યો ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી છે. એટલું જ નહીં, બિપરજોયના કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ છે. ચક્રવાતને કારણે 15મી જૂને કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં નુકસાન થવાની સંભાવના છે.