ટીવી, મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો થવાની આશા
નવી દિલ્હીઃ દેશવાસીઓને દિવાળી દરમિયાન મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સની માંગ વધવાને કારણે મોબાઈલ, ટીવી, લેપટોપ અને અન્ય પ્રોડક્ટ્સ જેવા ઈલેક્ટ્રિક સામાનની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. તહેવારોની સિઝન દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ વધારવા માટે કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઊંચા મૂલ્યના કારણે છેલ્લા 12 મહિનાથી ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ સુસ્ત છે. આવી સ્થિતિમાં કંપનીઓને ખાતરી છે કે માંગ વધવાની સાથે નફામાં પણ વધારો થશે. આમ દિવાળીમાં દેશની જનતાને મોબાઈલ ફોન અને લેપટોપ સહિતની ઈલેક્ટ્રીક વસ્તુઓ ઓછી કિંમતમાં મળવાની શકયતા છે.
કોવિડ પછીથી ફેક્ટરીઓમાં ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટર સાધનોના પરિવહનના ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે, જે કોવિડ દરમિયાન રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતો. હવે તે ઘટીને ઓછું થઈ ગયું છે. કોવિડ દરમિયાન ચીનથી નૂર $8,000 હતું. હવે તે ઘટીને $850-1,000 થઈ ગયું છે. સેમિકન્ડક્ટર ચિપ્સની કિંમત કોવિડના રેકોર્ડ સ્તરથી નીચે આવી ગઈ છે.
ઈન્ડસ્ટ્રીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રોનિક ઘટકોના ભાવમાં 60-80 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક સ્તરે માલસામાનની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે કેટલાક દેશોમાં મંદીના કારણે થોડો ઘટાડો થયો છે. જોકે કેટલાક ઉદ્યોગ અધિકારીઓનું કહેવું છે કે, નૂરની કિંમત 4 થી 5 ટકા વધારે છે, પરંતુ આ વધારો નબળી માંગને કારણે થયો છે. કાચા માલની કિંમતો છેલ્લા કેટલાક સમયથી સ્થિર છે, જેના કારણે આશા છે કે આ વખતે નફો થઈ શકે છે.