ભૂજઃ બિપરજોય વાવાઝોડાએ કચ્છને ઘમરોળતા ખૂબ નુકશાન કર્યું છે. જેમાં માંડવી બીચને વેરાન કર્યું છે. બીચ પર બાળકો માટેની તમામા રાઈડ્સને જડમુળમાંથી ઉખેડીને ફેંકી દીધી છે. પ્રવાસીઓ માટે બીચ પર બનાવેલા આકર્ષણો પણ નષ્ટ કરી દીધા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ગુરુવારે 115-125 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાએ જખૌમાં લેન્ડફોલ કરતા જ કચ્છ-ભુજ-માંડવીમાં ભારે તારાજી સર્જાઇ હતી. વાવાઝોડાના કારણે માંડવી બીચ ખેદાન મેદાન થઇ ગયો છે. બીચ પર આવેલી તમામ નાની મોટી રાઇડ્સમાં ખુબ મોટું નુકશાન થયું છે. બિપરજોય વાવઝોડાની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં થઇ છે. માંડવીમાં તારાજી સર્જતાં ખુબ મોટું નુકસાન થયું છે. બીચ પર નાના બાળકોની ચકરડી ભારે પવન અને વરસાદના કારણે ઉડીને બીજી તરફ પટકાઈ હતી. તો નાસ્તા તેમજ કોલ્ડ્રિંક્સની લારીઓ પણ ભારે પવનના કારણે ઉડીને નીચે પટકાઈ છે. બીચને ફરી રાબેતા મુજબ કાર્યરત કરવામાં ઘણો સમય લાગી શકે છે.
સમગ્ર કચ્છ જિલ્લામાં 1670 જેટલા કાચા અને 275 જેટલા પાકા મકાન અસરગ્રસ્ત થયેલા છે. જે અન્વયે સરકારની સૂચનાઓ મુજબ 94 ટીમો દ્વારા સર્વેની રાહતની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લાના 348 મકાનોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે કોઈ બંદર કે જેટી ક્ષતિગ્રસ્ત થયેલી નથી. આ ઉપરાંત કોઈ જ શીપ બોટને પણ નુકસાન થયું નથી. સમગ્ર જિલ્લામાં 80 હજાર જેટલા વીજપોલ, 8 સબસ્ટેશન ટ્રાન્સમિશન લાઈન, 103 જેટલા ફીડર ક્ષતિગ્રસ્ત થયા છે. પીજીવીસીએલ તથા જેટકોની 125 જેટલી ટીમો દ્વારા સમારકામ તથા વીજ પુરવઠો પુન:સ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. નગરપાલિકા,વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ટીમો દ્વારા તૈયારીરૂપે 275 વૃક્ષોનું ટ્રીમીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ભારે પવનનાં લીધે 3275 જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે જેને દૂર કરવાની કામગીરી પણ ચાલુ છે.