વડોદરામાં રખડતા ઢોરે વૃદ્ધ ઉપર કર્યો હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ
અમદાવાદઃ રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં રખડતા ઢોરનો ઉપદ્રવ વધ્યો છે. રખડતા ઢોર મામરે મહાનગરોને હાઈકોર્ટે આકરી કરી હતી, તેમ છતા રખડતા ઢોરનો યથાવત રહ્યો છે, દરમિયાન વડોદરામાં રખડતા ઢોરે વડોદરાના લક્ષ્મીપુર નારાયણ ગાર્ડન પાસે વૃદ્ધ ઉપર હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. બીજી તરફ આ ઘટનાને પગલે વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપ થયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના લક્ષ્મીપુર નારાયણ ગાર્ડન નજીકથી એક વૃધ્ધ બાઈક ઉપર પસાર થઈ રહ્યાં હતા, દરમિયાન રસ્તા ઉપર અડીંગો જમાવનાર ઢોરે બાઈક ચાલક ઉપર હુમલો કર્યો હતો. વૃદ્ધ બાઈક ઉપર ઘરે જતા હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બાઈક ચાલક વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનુ મૃત્યુ નિપજ્યું હતું. મૃતદેહને અંતિમવિધિ માટે વતન જામખંભાળિયા લઈ જવામાં આવ્યો હતો. આ બનાવને પગલે શહેરીજનોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં રખડતા પશુના હુમલાથી ત્રણ લોકોના મોત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. તેમજ રસ્તા ઉપર અડીંગો જમાવતા રખડતા પશુઓએ અવાર-નવાર વાહન ચાલકો અને રાહદારીઓને અડપેટે લે છે. સમગ્ર મામલે રાજ્યની વડી અદાલતે ગંભીર નોંધ લઈને મનપા સહિતના તંત્રને કાર્યવાહી કરવા માટે નિર્દેશ કર્યો હતો.