ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો 15 વર્ષની સ્થિતિએ સૌથી વધારે
અમદાવાદઃ રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા 15 વર્ષોની સ્થિતિએ સૌથી વધુ છે. રાજયમાં 206 જળાશયો પૈકી 4 જળાશય હાઈ એલર્ટ, 1 એલર્ટ, 3 વોર્નિંગ પર છે.
કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવવામાં આવ્યું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે 12.54 ટકા વાવેતર થયું છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ. ના અધિકારીઓ દ્વારા જણાવાયુ કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે. આ બેઠકમાં રાહત કમિશનર દ્વારા કૃષિ, પશુપાલન, પી.જી.વી.સી.એલ, વાહન વ્યવહાર સહિતના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ પાસેથી બિપરજોય વાવાઝોડાને પરિણામે અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા નુકસાનની વિસ્તૃત વિગતો મેળવી તેની સમીક્ષા કરી હતી. તે ઉપરાંત વાવાઝોડા દરમિયાન કરવામાં આવેલી રાહત બચાવ કામગીરી અંગે પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ બેઠકમાં રાહત કમિશનર દ્વારા કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ, NDRF, SDRF , ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર(મ્યુનિસિપાલિટી), આર્મી તથા શહેરી વિકાસ, પંચાયત, શિક્ષણ, ફિશરીઝ, નેવી, કોસ્ટ ગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એર ફોર્સ, આર્મી, મરીન તેમજ ઈસરો સહિતના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ પાસેથી બિપરજોય વાવાઝોડાને પરિણામે અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા નુકસાનની વિસ્તૃત વિગતો મેળવી તેની સમીક્ષા કરી હતી. તે ઉપરાંત વાવાઝોડા દરમિયાન કરવામાં આવેલી રાહત બચાવ કામગીરી અંગે પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી. જેમાં તમામ વિભાગો દ્વારા આ વાવાઝોડા દરમિયાન કરાયેલી શ્રેષ્ઠ કામગીરીનો સંતોષ વ્યક્ત કરી રાહત કમિશનરએ તમામ વિભાગોના અધિકારીઓ અને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરનાર કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.