અમદાવાદ-ગાંધીનગર ધીમીધારે વરસાદ, માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં
- સવારથી જ આકાશમાં છવાયાં હતા વાદળ
- શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો
- વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે, તેમજ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. તેમજ ધીમી-ધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને 10 કલાક બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના ઘાટલોડિયા, થતલજે, ઈસ્કોન, એસ.જી.હાઈવે, નારણપુરા સહિત સમગ્ર શહેરમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત શહેરની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. દરમિયાન ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વરસાદ શરૂ થયો છે.
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાનો પ્રારંભ થયો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 26, 27, 28, 29 અને 30નો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે ચોમાસુ 10 દિવસ મોડુ હોવાનું જાણવા મળે છે. જો કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે.