- રાજ્યમાં હાલની સ્થિતિએ 30 ટકા વાવેતર પૂર્ણ
- ડાંગર સહિતના પાકનું પણ કરાયું વાવેતર
- વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ ખેડૂતોએ વાવેતર શરુ કર્યું છે. દરમિયાન હાલ રાજ્યમાં સૌથી વધારે કપાસનું અને મગફળીનું વાવેતર થયું છે. આ ઉપરાંત ડાંગરી અને બાજરી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં લગભગ 30 ટકા જેટલુ વાવેતર થયું છે. રાજ્યમાં ચોમાસાના આરંભ સાથે સતત 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 13.07 લાખ હેકટરમાં કપાસના બીજ રોપાઇ ગયા છે. કપાસના કુલ વાવેતર વિસ્તારની દૃષ્ટિએ તે 55.36 ટકા વાવેતર છે. વાવણીમાં બીજા ક્રમે મગફળી છે. તેનું 9.21 લાખ હેકટરમાં વાવેતર થયું છે. ટકાવારીની દૃષ્ટિએ તે 49 ટકા છે. રાજ્યમાં કુલ 29.47 ટકા વાવણી થઇ છે. 86 લાખ હેકટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે 25.33 લાખ હેકટરમાં વાવણી થઇ ગઇ છે, તે ગયા વખતના જુન ઉતરાર્ધ સુધીમાં 20 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આ ઉપરાંત ડાંગર, બાજરી, જુવાર, તુવેર, મગ, મઠ, અડદ, દિવેલા, તલ, સોયાબીન, ગુવાર સીડ, શાકભાજી, ઘાસ વગેરેનું વતા – ઓછા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ 1.68 લાખ હેકટરમાં જુનાગઢ જિલ્લામાં અને સૌથી ઓછું 1100 હેકટરમાં બોટાદ જિલ્લામાં વાવેતર થયું છે. કપાસનું મહત્તમ 1.47 લાખ હેકટરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને સૌથી ઓછું 3500 હેકટરમાં ગિર સોમનાથ જિલ્લામાં વાવેતર થયું છે. રાજ્યમાં જુલાઇ મધ્ય સુધીમાં વાવણી કાર્ય પૂર્ણ થાય તેવા એંધાણ છે.