પીએમ આવાસ પર ભાજપના નેતાઓની બેઠક યોજાઈ,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓએ બુધવારે મહત્વની બેઠક કરી હતી. વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ મેરેથોન બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટીના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ પણ હાજર હતા.
બેઠકના મુદ્દાઓ અંગે ભાજપ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક મુદ્દાઓ પર સર્વગ્રાહી રીતે ચર્ચા કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલથી માંડીને પાર્ટી સંગઠનમાં ફેરફારનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના મુદ્દા પર પણ ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ મંગળવારે ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓના એક કાર્યક્રમમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું જોરદાર સમર્થન કર્યું હતું. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે જ્યારે ઘર બે નિયમોથી ચાલતું નથી તો દેશ બે કાયદાથી કેવી રીતે ચાલશે. મંગળવારે રાત્રે UCC મુદ્દે શાહ અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ વચ્ચે લાંબી બેઠક બાદ વડાપ્રધાનનું નિવેદન આવ્યું હતું.