હિંસા પીડિતોને મળવા રાહત શિબિરમાં જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં રોકવામાં આવ્યો
ઈમ્ફાલ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુર પહોંચ્યા હતા. અહીંથી ઈમ્ફાલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોલીસે તેમના કાફલાને અટકાવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાહુલના કાફલાને ઈમ્ફાલ પહેલા લગભગ 20 કિમી દૂર બિષ્ણુપુર જિલ્લામાં રોકી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટનાઓને જોતા પોલીસ તેમને આગળ વધવા દેતી નથી.
આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે રાહુલ ગાંધીના કાફલાને પોલીસે બિષ્ણુપુર પાસે રોકી દીધો છે. પોલીસનું કહેવું છે કે તેઓ અમને પરવાનગી આપી શકે તેવી સ્થિતિમાં નથી. રાહુલ ગાંધીને વધાવવા માટે લોકો રસ્તાની બંને બાજુ ઉભા છે. અમે સમજી શકતા નથી કે તેઓએ અમને કેમ રોક્યા?
પોલીસ દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટમાં વિષ્ણુપુર એસપીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક છે. તાજેતરમાં કેટલીક જગ્યાએ ફાયરિંગ અને આગચંપીનાં બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં અમે રાહુલ ગાંધીની સુરક્ષા સાથે સમાધાન કરી શકતા નથી અને તેમને આગળ જવા દેવાની સ્થિતિમાં પણ નથી.
વાસ્તવમાં, રાહુલ ગાંધી આજે અને આવતીકાલે એટલે કે 29-30 જૂને મણિપુરમાં હશે. આ દરમિયાન તેઓ રાહત શિબિરોની મુલાકાત લેશે. તેઓ ઇમ્ફાલ અને ચુરાચંદપુરમાં નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. તેઓ રાહત શિબિરોની પણ મુલાકાત લેશે.
રાહુલનો મણિપુર જવાનો નિર્ણય ત્યારે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રીએ મણિપુરની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક યોજી હતી. 3 મે પછી જાતિ હિંસાથી ઘેરાયેલા પૂર્વોત્તર રાજ્યમાં કોંગ્રેસના નેતાની આ પ્રથમ મુલાકાત છે. કોંગ્રેસે રાજ્યની વર્તમાન સ્થિતિ માટે ભાજપ અને તેની “વિભાજનકારી રાજનીતિ”ને જવાબદાર ઠેરવી છે. આ ઉપરાંત કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીને તાત્કાલિક અસરથી બરતરફ કરવાની માંગ કરી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ત્યાં મોકલવું જોઈએ.