ભાવનગરઃ સંત ભૂમિ ગણાતા બગદાણા ખાતે આગામી તા.3/7/2023ને સોમવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઊજવણી કરવામાં આવશે. જેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમની પાવન અને વર્ષોથી ચાલી આવતી ઉજવળ પરંપરાના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હજારો ભાવિક ભક્તજનો સામેલ થશે. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ધન્ય અવસરની બગદાણા ખાતેના બજરંગદાસ બાપાના આશ્રમ ખાતે ગુરુ પુનમ ધામધૂમ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઊજવાશે. આ ગુરુપૂર્ણિમા મહોત્સવના બગદાણા ખાતે ઊજવવામાં આવનારા કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી છે, જે મુજબ તારીખ ત્રણને સોમવાર (અષાઢી પૂનમ) ના રોજ મંગલા આરતી સવારે 5:00 કલાકે, ધ્વજા પૂજન સવારે 7 થી 8 કલાક સુધી, ધ્વજારોહણ સવારે 8:00 થી 8:30 કલાક સુધી, ગુરુ પૂજન સવારે 8:30 થી 9:30 કલાક સુધી, રાજભોગ આરતી સવારે 9:30 થી 10 કલાક સુધી જ્યારે ભોજન પ્રસાદ વિતરણ સવારના 10 કલાકથી અવિરત પણે શરૂ રહેશે.
આ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં એક લાખથી પણ વધારે ભાવિક ભક્તો જૂનો ઉપસ્થિત રહેશે એવો અંદાજ હોય તેમની વ્યવસ્થા અને તૈયારી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે ગત તારીખ 25 ને રવિવારે 300 ગામોના સ્વયંસેવકોના બબ્બે પ્રતિનિધિઓની એક સંકલન મીટીંગ યોજાઈ હતી. જેમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરીને કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં સૌ સ્વયંસેવકોએ ભાવવિભોર થઈને પોતાના ફાળે આવેલી સેવા અને કામગીરી બાપા સીતારામના નાદ સાથે સહર્ષ સ્વીકારી હતી. આ સિવાય ગત તા.27 ને મંગળવારે પ્રાંત અધિકારી શ્રી મહુવાની ઉપસ્થિતિમાં દરેક સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની બેઠક કાર્ય સંકલન માટે મળી હતી. જેમાં અલગ અલગ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.