બે પાનકાર્ડ ધારકોને શોધી કાઢવા શરૂ કરાશે અભિયાન…
- બે પાનકાર્ડ રાખવો કાયદેસર રીતે ગુનો
- રૂ. 10 હજાર સુધીના દંડની જોગવાઈ
- કરોડો લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવ્યું
- નિમય અનુસાર જુનુ કાર્ડ સરેન્ડર કરાવ્યા બાદ નવુ પાનકાર્ડ કઢાવી શકાય
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટે સતત અપીલ કરવામાં આવી હતી, જેથી અનેક વ્યક્તિઓએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યાં છે. જો કે, હવે તંત્ર દ્વારા બે પાનકાર્ડ ધરાવતી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. ઇન્કમટેક્સના કાયદા મુજબ બે પાનકાર્ડ ધરાવનારાઓને 10 હજાર રૂપિયાનો દંડની જોગવાઇ છે. આવનારા દિવસોમાં બે પાનકાર્ડ ધરાવનારાઓને તેનો સામનો કરવો પડી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આધારકાર્ડ અને પાનકાર્ડના નામને લઈને સમસ્યાને લઈને કેટલાક વ્યક્તિઓએ ભવિષ્યની સંભવિત મુશ્કેલીથી બચવા માટે નવા પાનકાર્ડ બનાવડાવ્યાંની વિગતો સામે આવી છે. એટલું જ નહીં આવા લોકોએ બીજા પાનકાર્ડની સાથે આધારકાર્ડ લીંક કરાવ્યાનું ચર્ચાઈ રહ્યું છે. બે પાનકાર્ડ સાથે રાખવુ કાયદેસર ગુનો છે. જેથી જુનુ પાનકાર્ડ સરન્ડર કરાવ્યા બાદ જ નવુ પાનકાર્ડ કઢાવી શકાય છે. જેથી જે વ્યક્તિઓ પાસે બે પાનકાર્ડ હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કરદાતાઓને ઈન્કમટેક્ષ ફાઈલ કરતી વખાતે વધારે મુશ્કેલી ના પડે તથા તમામ કામગીરી પારદર્શક રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે.
(Photo-File)