ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી
- ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ
- વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને વેગ મળશે
દિલ્હી :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ લગભગ 1,400 કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. તેના પૂર્ણ થવાથી દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડાયેલા દેશોમાં વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને વેગ મળશે.
પ્રોજેક્ટની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવે મણિપુરના મોરેહને મ્યાનમાર થઈને થાઈલેન્ડના માઈ સોત સાથે જોડશે.
હાલમાં, મંત્રીએ આ હાઇવેને ચાલુ કરવાની સમયમર્યાદા અંગે કોઈ માહિતી આપી નથી. જો આ વ્યૂહાત્મક હાઇવે પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તેમાં વિલંબ થયો છે. સરકારનું અગાઉનું લક્ષ્ય ડિસેમ્બર 2019 સુધીમાં તેને કાર્યરત કરવાનું હતું.