સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં બે વ્યક્તિઓના ડુબી જવાથી મોત
- શ્રમજીવી કેનાલમાં ડુબતા બચાવવા અન્ય યુવાને છલાંગ લગાવી હતી
- ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને મૃતદેહ બહાર કાઢ્યાં હતા
- બે યુવાનોના ડુબી જવાથી મોત થયા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડુબી જવાથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ખેતરમાં કામ કરતો પરપ્રાંતિય યુવાન કેનાલમાં ડુબ્યો હતો અને તેને બચાવવા પડેલો યુવાન પણ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બંને યુવાનોના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રાના બાવળી ગામ પાસે ખેતરમાં કામ કરતો એક પરપ્રાંતિય યુવક નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબ્યો હતો. જેને બચાવવા અન્ય યુવક પણ કેનાલમાં પડ્યો હતો. ત્યારે બચાવવા પડેલ યુવક પણ ડૂબી ગયો હતો. યુવાનોએ બચાવવા માટે મદદની માંગણી કરીને બુમાબુમ કરી હતી. જેથી સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. સ્થાનિક તરવૈયાએ કેનાલમાં છંલાગ લગાવી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને મૃતદેહ બહાર કાઢ્યાં હતા. તેમજ બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસની ટીમે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રાંગધ્રામાં નર્મદાની મુખ્ય કેનાલમાં બે યુવાનોના ડુબી જવાથી મોત થવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.