આપ પાકિસ્તાનમાં જે ગામમાં રહેતા હતા તે ગામને યાદ રાખજો, અખંડ ભારત બનાવવુ હશે તો તેનું સ્મરણ રહે એ આવશ્યક છે: દત્તાત્રેયજી હોસબાલે
અમદાવાદઃ પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારતમાં આવેલા ડૉક્ટર્સ દ્વારા તેમને ભારતીય નાગરિકતા અને મેડિકલ પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન મળતાં માઈગ્રંટ પાક. હિંદુ ડૉક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ ટાગોર હૉલમાં યોજાયો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં તેમણે જણાવ્યુ,
આ કાર્યક્રમ વિશિષ્ટ અને અવિસ્મરણીય છે. ગુરુ પૂર્ણિમાનું અનેરુ મહત્વ છે. અંધકાર થી પ્રકાશ તરફ લઈ જનારા ગુરુ ને નમન કરવાનો દિવસ છે. ભારત સમગ્ર માનવતાને માર્ગદર્શન આપનાર વિશ્વગુરૂ છે એવા વિશ્વગુરૂની છત્રછાયામાં ફરીથી ભારતના નાગરિક બનેલા લોકો વચ્ચે હું આનંદિત છું. 1947 માં ભારતના ટુકડા થઈ ગયા અને જે લોકો ત્યાં રહી ગયા અને પ્રતાડિત છે તેમનું ભારત ઘર છે તેઓ અહીં આવી શકે છે. આપ ભારત માતાના પુત્ર તો હતા જ પરંતુ હવે આપ બંધારણીય રીતે ભારતના નાગરિક છો. ભારત માતા જગદમાતા છે તે વિશ્વના દરેક પ્રતાડિત લોકો માટે આશ્રય સ્થાન છે. અહીં પારસી, યહુદી આવ્યા ભારતીય હિંદુ સમાજે તેમનો સ્વીકાર કર્યો છે. ઇઝરાયેલમાં આવેલા લોકોના અનુભવ પ્રકાશિત કરવાનુ નક્કી કર્યુ ત્યારે વિશ્વભરથી આવેલ યહુદીઓ જે વર્ણન કર્યું તેમાં બધાજ દેશોમાં તેમેણે પ્રતાડના સહન કરવી પડી હતી માટે ભારતમાં આવેલા યહુદીઓએ કહ્યું તેમને કોઈ પ્રકારની પ્રતાડના નથી સહન કરવી પડી આ ‘ઈન્ડિયન જ્યુઝ’ પુસ્તક માં નોંધાયેલું છે. ભારતને જગનમાતા, વસુધૈવ કુટુંબકમ કહે છે ત્યારે તે માત્ર વાત નથી પરંતુ જીવન છે.
જે લોકોએ અહીં આવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી છે આપનું આપના ઘરમાં સ્વાગત છે. દેશનું વિભાજન થયું એ ઇતિહાસની ભૂલ હતી એ ભારતના ઈતિહાસનું કાળુપૃષ્ઠ છે પરંતુ ત્યાં રહેનારા પ્રતાડિત લોકો માટે વેઈટિંગ પીરિયડન હોય તેનો પ્રયાસ CAA દ્વારા થયો એનો કેટલાંક લોકોએ વિરોધ કરી કુત્સિત પ્રયાસ કર્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશના વિભાજનથી આ વિષય સાથે અંતઃકરણ પૂર્વક જોડાયેલો છે. જે લોકો વિભાજન વખતે ભારત આવ્યા તેમના અનુભવો ચાર વોલ્યુમમાં પ્રકાશિત થયા છે એ વખતે શુ થયુ એ આગળની પેઢીઓ ને જાણ થવી જોઈએ. વિભાજન સમય સંઘના સ્વયંસેવકોને ગુરુજીએ આદેશ આપ્યો હતો એક પણ હિંદુ ત્યાં રહે ત્યાં સુધી આપે ત્યાં જ રહેવાનું છે. સેંકડો સ્વયંસેવક ભાઈ બહેન ત્યાં હિંદુઓના સહયોગ માટે રહ્યા.
સંઘના કાર્યકર્તાઓ દર વર્ષે 14 ઑગસ્ટે એ દિવસને યાદ કરે છે અને અખંડ ભારતનો સંકલ્પ લે છે. ભારતના નાગરિક આપ બન્યા છો એનો સૌને આનંદ છે. હવે એ લોકોની જે લોકો જીવન માટે કષ્ટ ઉઠાવે છે એ લોકોની સેવા કરવાની છે એ સેવા આપણો ધર્મ છે. આપની એક જવાબદારી છે આપણા એ લોકોને મદદરૂપ થઈએ જે લોકોને જરૂર છે. સાથે સાથ આપ પાકિસ્તાનમાં જે ગામમાં રહેતા હતા તને ન ભૂલવો જોઈએ, તે ગામને યાદ રાખજો અખંડ ભારત બનાવવુ હશે તો તેનું સ્મરણ રહે એ આવશ્યક છે.
આ અવસરે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે માઇગ્રન્ટ હિન્દુ તબીબોએ અંધકારથી ઉજાસ તરફની સફળ યાત્રા કરી છે અને હવે ભારતમાં કાયમી વસવાટ સાથે સેવા કરવાના છે. રજિસ્ટ્રેશન થયા છે તેવા તબીબો ગુજરાતની આરોગ્ય સેવામાં યોગદાન આપશે તે ગૌરવની વાત છે. પાકિસ્તાનથી આવેલા આ ડૉક્ટર્સને નાગરિકતા અને રજીસ્ટ્રેશન મળે તે માટે સતત કાર્યરત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રશાંત હરતારકરે પોતાના અનુભવ જણાવતા કહ્યું કે, આ કાર્ય માં મોટી ભૂમિકા રાજેશભાઈ મહેશ્વરી અને વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય સેવા પ્રમુખ અજયભાઈ પારેખની રહી છે. પાકિસ્તાનમાં જવાનો મને અવસર મળ્યો છે એના પરથી કહી શકુ છુ કે ત્યાં હિંદુ તરીકે જન્મ લેવો એટલે મરવા માટે જ જન્મવુ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે કહે છે તે કરે જ છે. શું અખંડ ભારત બનશે ? હું કહું છું અખંડ ભારત નિશ્ચિત રૂપે થશે. હવે આપણે આપણા નામમાંથી માઈગ્રંટ પાક. શબ્દ દૂર કરવો જોઈએ કારણ કે હવે કોઈ માઈગ્રંટ નથી આપ સૌ ભારતીય છો. “હિંદુ ભાવ કો જબ જબ ભુલે આઈ વિપદ મહાન” હું ભારતનો છું અને ભારત મારું છે આ ભાવ નિર્માણ થવો જોઈએ. ધર્મ માટે જીવો સમગ્ર ભારતમાં ફેલાઈ જાવ.
પાકિસ્તાનથી પ્રતાડિત થઈને ભારતમાં આવેલા શરણાર્થી ડૉક્ટર્સને ભારતીય નાગરિકતા મળે તથા પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન થઈ શકે તે માટે સતત પ્રયાસરત રહેલા રાજેશભાઈ મહેશ્વરી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આભાર માનતા કહ્યું કે, હું આરએસએસ માટે એવું કહીશ “તુ ન થકેગા કભી, તુ ન રુકેગા કભી, કર શપથ કર શપથ કર શપથ… 1947 માં દેશનું વિભાજન થયુ તે વખતે અનેક હિંદુ પરાવાર પાકિસ્તાન માં રહી ગયા હતા વર્ષોથી તેમની ઉપર અત્યાચાર વધી રહ્યા હતા ત્યારે ડૉક્ટર્સ, એન્જિનૈયરસ, વગેરે લોકોએ ભારત તરફ મીટ માંડીઅને ભારતમાં આવી ગયા. આજે અમને ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ છે અને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે રજીસ્ટ્રેશન થયુ છે.
આ પ્રસંગે મંચ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય સેવા પ્રમુખ અજય પારેખ, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઈ સોલંકી અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા.