અમદાવાદઃ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. સુરતના પાંડેસરાના સેવકરામ કાલુ રાજોરે બ્રેઈનડેડ થતા તેમની બે કિડનીના દાનથી બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલના માધ્યમથી અંગદાનની સદી પાર થવા સાથે સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી છેલ્લા છ મહિનામાં અંગદાનની 32 ઘટનામાં કુલ 102 અંગોનું દાન થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાણા તાલુકાના સેગવાલ ગામના વતની 46 વર્ષીય સેવકરામ રાજોરે સુરતના પાંડેસરા હાઉસિંગમાં પત્ની રમાબાઈ, ત્રણ પુત્રીઓ અને એક પુત્ર સાથે રહેતા હતા, અને મોચી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગત તા.30મી જૂને તેઓ રાત્રે જમીને પરિવાર સાથે ટીવી જોઈ રહ્યા હતા, એ દરમિયાન શરીરની એક બાજુ પેરેલિસિસ (લકવા) એટેક આવ્યો હોય એમ તેમના શરીરનો એક ભાગ જકડાઈ ગયો હતો. જેથી તેમને સારવાર માટે વલસાડની ડુંગરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નિદાનમાં Intraparenchymal hemorrhage (IPH) અને intraventricular hemorrhage (IVH) થયું હોવાનું જણાતા આ હોસ્પિટલના તબીબે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર માટે રિફર કર્યા હતા.
તા.1લી જુલાઈએ નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને તા.2 જુલાઈએ બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. રાજોરે પરિવારના સભ્યોને સોટોની ટીમે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો સેવકરામના પત્ની, સંતાનો સહિત રાજોરે પરિવારના સભ્યોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી. અંતે બ્રેઈનડેડ સેવકરામની કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.