જીઑપૉલિટિક્સ અને વિશ્વમંચ પર ભારતની ભૂમિકા
(સ્પર્શ હાર્દિક)
જીઑપૉલિટિક્સનો અર્થ શબ્દકોશમાં આ મુજબ છે – કોઈ દેશની ભૌગોલિક પરિસ્થિતિને લીધે નક્કી થતું રાજકારણ. પોતાનામાં અનેક વિષયો સમાવી લેતા જીઑપૉલિટિક્સના અભ્યાસમાં રાજકારણ ઉપરાંત જે-તે રાષ્ટ્ર કે પ્રાંતની ભૂગોળ, એના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણની સમજ પણ આવશ્યક છે. માટે આ વિષયમાં રસ લેવાનું શરૂ કરનારની સમજશક્તિ પણ એ બધા વિષયોમાં સારી એવી વિકસે. પાછલાં થોડા વર્ષોથી જીઑપૉલિટિક્સ ટ્રેન્ડમાં છે જેનું એક કારણ ઇન્ટરનેટની કૃપાથી સુલભ થયેલી અને ઝડપથી મળતી માહિતી પણ ખરી અને બીજું કારણ છે વર્તમાન સરકારનો ભારતની વિશ્વસ્તરે ગરિમામય ઓળખ પુનઃસ્થાપિત કરી રાષ્ટ્રને સ્ટ્રોંગ બનાવવાનો સક્રિય પ્રયાસ.
ઑફ કોર્સ, સરકાર હોય એટલે એના વિરોધમાં કામના તથા નકામા અવાજો પણ જાગવાના જ. તંદુરસ્ત લોકશાહીની એ જરૂરીયાત છે, પરંતુ જ્યારે બાકીના વિશ્વના સંદર્ભમાં પોતાના રાષ્ટ્રની વાત આવે ત્યારે કોઈ પણ સ્વસ્થ મનનો અને સ્વતંત્ર રીતે વિચારી શકતો નાગરિક દેશહિતને જ મહત્વ આપશે. ઉપરાંત, બૌદ્ધિકતાના ગાઢ ભ્રામક જંગલના કોઈ વિચિત્ર ભાગમાં ભટકી ગયેલાં ભ્રષ્ટ મતિના લોકો ભલે ‘જિંગોઇઝમ’ જેવા શબ્દો વાપરી દેશપ્રેમી લોકો સામે રાક્ષસી અટ્ટાહાસ્ય કરતાં રહે, પણ માનવીય અને હકારાત્મક પગલાંઓ ભરીને જો કોઈ રાષ્ટ્ર મજબૂત થતું અને પ્રગતિ કરતું હોય, અન્યોને અમાનવીય રીતે નુકસાન કે ત્રાસ ન આપતું હોય, તો એ દેશના નાગરિકો ગર્વ લે એમાં કંઈ ખોટું જરાય નથી. હાલના સમયમાં, જીઑપૉલિટિક્સમાં વધી રહેલો રસ ભારતીયોની દેશ પ્રત્યે નવી જાગેલી કે વધુ પ્રબળ થયેલી ભાવનાઓનું પરિણામ છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી. વધારામાં, દેશના નાગરિકો વૈશ્વિક પ્રવાહોની સમજ કેળવી ભારતનું એમાં સ્થાન અને એની સામેના પડકારો વિશે જાગરૂક બને તો એકંદરે આપણી લોકશાહી જ બળવાન થાય છે.
આજે વિશ્વમંચ પર ભારત પોતાની ક્ષમતા સારી રીતે દર્શાવી રહ્યું છે એમાં ગર્વ વત્તા આનંદ કરવું સામાન્ય નાગરિકોને ગમે છે. કાયમથી ભારતીય સમાજનો એક વિશાળ વર્ગ આપણી સંસ્કૃતિ કે સભ્યતા પ્રત્યે અત્યંત ગર્વની લાગણી અનુભવતો રહ્યો છે. અને વિરોધી વર્ગોએ સતત આ લાગણીને ટારગેટ કરીને લોકોના માનસમાં એક પ્રકારની ઘૃણા જન્મે એવા પ્રયાસો કરવાનું કદી અટકાવ્યું નથી એ પણ હકીકત છે. એ ખરું કે કોઈ પણ દેશ ક્યારેય પરફેક્ટ નથી હોતો, પરંતુ સતત ફેલાવવામાં આવતા નેગેટિવ વિચારો પરફેક્ટ થવાની યાત્રામાં કંઈ પ્રદાન કરવાના નથી અને ખામીઓને સુધારવામાં પણ કોઈ યોગદાન આપવાના નથી.
ખામીઓની વાત નીકળી છે તો કહી શકાય કે, જીઑપૉલિટિક્સની રમતમાં આપણો દેશ એક અગત્યનો ખેલાડી બની રહ્યો હોવાથી એની બાયપ્રૉડક્ટ જેવા સારાં પરિણામ દેશના આંતરિક માળખાની ક્ષતિઓને પણ સુધારવામાં ચોક્કસ સહાય કરશે. કેપિટલિઝમ યાને મૂડીવાદમાં હજાર ખામી હોવા છતાં આપણી પાસે ઉપલબ્ધ અન્ય વિકલ્પોમાંથી હાલ એ જ શ્રેષ્ઠ છે. આર્થિક ઉન્નત્તિ સુખાકારીમાં વધારો કરવાની સાથે છેવાડાના નાગરિકને રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનવાની તક આપે છે જેથી એ જીવન પર્યન્ત છેવાડાનો માનવી ન રહી જાય. વિરાટ કદની જનસંખ્યાને પૂરતી રોજગારી મળી રહે એ પણ જોવાનું છે. કૉરોના પછી વિશ્વના બળવાન દેશોએ ‘ચાઇના પ્લસ વન’ નીતિ અપનાવવાનું શરૂ કર્યું છે. પોતાની ઘણી બધી જરૂરિયાતો માટે ચીન પર જ નિર્ભર રહેવા કરતાં ભારત જેવા દેશોને પણ વિકલ્પ તરીકે પ્રૉડક્શન હબ બનાવવાની આ નીતિ પહેલી નજરે વિદેશી દેશોના સ્વાર્થથી જ પ્રેરિત છે. પરંતુ ભારતમાં પહેલેથી જ સ્થાપિત ઉદ્યોગો વિસ્તરે અથવા નવા ઉદ્યોગો સ્થાપાય તો એનાથી આપણા દેશનું અર્થતંત્ર સ્ટ્રોંગ થવાનું. એટલે હાલ પૂરતી ચાઇના પ્લસ વન નીતિ આપણા પણ લાભમાં હોય એવું જણાય છે.
દેશની સરહદો બહારની વાત કરીએ. દિવસે ને દિવસે વિશ્વ પહેલાં કરતાં વધુ અસ્થિર થયું હોય એવું લાગે છે. રશિયા-યુક્રેનની સિવાય પણ ધરા પર ઘણી સરહદોએ ભારેલો અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. અમેરિકા વત્તા યુરોપના અમુક દેશો મળીને જે વેસ્ટર્ન ફ્રન્ટ બનાવે છે, એને ચીન એક હદથી વધુ પાવરફુલ ના થઈ જાય એવો ડર છે. માટે સાઉથ એશિયામાં એ ભારતને પણ ચીન વિરુદ્ધ સમાનરૂપે પાવરફુલ થવા દેવામાં પોતાનો લાભ જુએ છે. રશિયાના દુશ્મન એવા આ વેસ્ટર્ન ફ્રન્ટને પાછું ભારતની રશિયા સાથેની ઘનિષ્ઠતા આંખના કણા જેમ ખૂંચે એ સ્વાભાવિક છે. વેસ્ટર્ન ટોળકીની જગત પર એકચક્રી સત્તા સ્થપાય તો ભારત જેવા શાંતિપ્રિય અને એક પણ પક્ષે ન જોડાવા ઇચ્છતા દેશ માટે સમસ્યા ઊભી થાય. એટલે તેને રશિયાની દોસ્તી જરૂરી છે. રશિયાના સહકારથી કે એના વિના પણ ભારત વધુ પડતું સ્ટ્રોંગ ન થઈ જાય એટલે આપણને સતત સળી કરતું રહેનાર પાકિસ્તાન પણ જેમતેમ ટકી રહે એમાં વેસ્ટર્ન ફ્રન્ટનું હિત તો ખરું જ!
ટૂંકમાં જીઑપૉલિટિક્સની અટપટી, ગૂંચવાયેલી રમતમાં ભારતનું સ્થાન ચાવીરૂપ છે અને એના ભૌગોલિક સ્થાન તથા વિશાળ બજારને કારણે સૌને પોતપોતાનો સ્વાર્થ સાધવમાં રસ છે. જોકે, આ અતીતનું એ ભારત નથી જ્યાં વેપાર કરવાના આશયથી આવેલા વિદેશીઓ સત્તાધીશો બની બેઠા હતા. આજનું ભારત પોતાની ક્ષમતાઓ અને નબળાઈઓથી પણ સારી રીતે પરિચિત છે. આ સઘળાં ગૂંચવાયેલા તાંતણામાં ભારતે અત્યાર સુધી પોતાનું અસ્તિત્વ સારી રીતે ટકાવી રાખ્યું છે એ ગર્વ અનુભવવા જેવી વાત છે.
ભારતની ભૂમિકા પાછલા દાયકાઓમાં ઘણી બદલાઈ છે એ ઇતિહાસ, રાજકારણ, ઇત્યાદિમાં રસ લેનારો માણસ સ્પષ્ટ રીતે જોઈ શકતો હશે. ૧૯૯૧ના લિબરલાઇઝેશન પછી ભારતે વિશ્વવેપારમાં સક્રિયતા વધારી છે. જોકે, અત્યાર સુધી આ વેપારમાં મુખ્યત્વે ખરીદદારની ભૂમિકા જ ભજવનાર ભારતે હવે વેપારીની ભૂમિકામાં ઢળવાનું લક્ષ્ય નક્કી કરી લીધું છે. આપણો દેશ વિશાળ વસ્તી અને એથી વિશાળ માર્કેટ ધરાવતો હોવાથી વિદેશીઓની લાલચ જનસંખ્યાને ગ્રાહકોમાં પલટી ચિક્કાર નફો એકઠો કરવાની છે. આજે પણ સતત વિકસી રહેલા ભારતના અર્થતંત્રની પ્રગતિમાં બહારના નાના-મોટા દેશો, ખાનગી કંપનીઓ અને બળવાન કે વગશાળી વ્યક્તિઓને હિસ્સો જોઈએ છે. આ દેશ જ્યારે ‘સોને કી ચિડિયા’ કહેવાતો ત્યારના સમયનું વ્યાપારી વાતાવરણ નવા વાઘા પહેરીને જાણે ફરી સર્જાઈ રહ્યું હોય અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો આત્મા જાણે નવાં શરીર ધારણ કરીને ફરી ભારતના બજારમાં પગ જમાવવા પાછો વળ્યો હોય એવું કોઈને લાગી શકે. નિરાંતની વાત એ કે હાલનું ભારત યુનાઇટેડ છે, ઇતિહાસબોધ પામેલું છે. વિશ્વ સામે ભારતની છબિ હવે ભૂખ્યાંનાગાં લોકોના દેશની નથી રહી. એકલદોકલ લોકો કે સંસ્થાઓ હજુ પણ આ છબિને જ લાર્જ કરીને દેખાડવા માંગે છે એ અલગ વાત છે. કોણ છે આ વિરોધી તાકતો? ભારત પ્રત્યેની ઘૃણાથી પ્રેરાયેલું વેસ્ટર્ન મીડિયા, એમની થિંક ટેંક્સ અને એમનું જ પઢાવેલું પોપટ જેમ રટતું અહીંનું એક ચોક્કસ એજન્ડાધારી મીડિયા. એ બધાના વિકૃત ઘોંઘાટનો ભારતના એક વિશાળ જનમાસન પર પ્રભાવ અવગણવા જેવો નથી જ. એને કદાચ ડામી શકાય એમ પણ નથી, કદાચ ડામવો પણ ના જોઈએ. સારાં-નરસાંનું સંતુલન બની રહેવું જોઈએ એ પ્રકૃતિનો નિયય છે. અહીં હકારાત્મક બાબત એ કે આજે એ ઘોઘાંટને માત આપવા તર્કપૂર્ણ અને ખરી માહિતી સાથે સાચી વાત રજૂ કરનારા માધ્યમો અને માણસો વધ્યા છે, વધુ વોકલ થયા છે. રિઅલ વૉઇસ ઑફ ઇન્ડિયા – Revoi પણ ભારતના આ નવા મજબૂત અવાજનો એક હિસ્સો છે. અમને આશા છે કે આપણો સૌનો અવાજ એક થઈને જરૂર બુલંદ થશે.
hardik.sparsh@gmail.com
(PHOTO-FILE)