સુરતના એરપોર્ટ પર 27 કરોડની કિંમતના 48 કિલો સોનાની ‘ગોલ્ડ પેસ્ટ’ સાથે 4 આરોપી પકડાયા
અમદાવાદઃ ગુજરાતમાં સોનાની દાણચોરીના બનાવો વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરત એરપોર્ટ પર દુબઈ, શારજહાં સહિત વિદેશમાંથી મોટા જથ્થામાં સોનું લાવવાના બનાવો વધી રહ્યા છે. આથી ગેરકાયદે સોનું લાવતા શખસોને પકડવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) સક્રિય બન્યું છે. ત્યારે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRIના અધિકારીઓએ વોચ ગોઠવીને ચાર શંકાસ્પદ આરોપીઓની તલાશી લેતા તેની પાસેથી આશરે રૂપિયા 27 કરોડની કિંમતની 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી હતી. તાજેતરના સમયમાં એરપોર્ટ પરથી સોનાની આ સૌથી મોટી જપ્તી છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના સૂત્રોના કહેવા મુજબ DRI ના અધિકારીઓએ બાતમી મળી હતી કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહથી આવતી ફલાઈટમાં 4 મુસાફરો સોનાની ગોલ્ડ પેસ્ટ સાથે આવી રહ્યા છે. આથી ચારેય આરોપીને અટકાવીને પૂછપરછ કરીને તલાશી લેતી તેની પાસેથી આશરે રૂપિયા 27 કરોડની કિંમતની 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, DRIના અધિકારીઓએ ફ્લાઈટ લેન્ડિગ થાય તે પહેલા જ સુરતના એરપોર્ટ પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ફ્લાઈટસ લેન્ડિંગ થયા બાદ તમામ પ્રવાસીઓની લગેજની તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ચાર શખસોની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમના હાથના સામાન અને ચેક-ઇન સામાનની તપાસ કરવામાં આવી હતી અને 5 બ્લેક બેલ્ટમાં છુપાયેલા 20 સફેદ રંગના પેકેટોમાં પેસ્ટ સ્વરૂપમાં 43.5 કિલો સોનું સંતાડેલું મળી આવ્યું હતું.મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રહેલા અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું છુપાવવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સ્ક્રિનિંગ અને પરીક્ષણ ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં સ્થિત શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરો પાસેથી મળી કુલ 48.20 કિલો સોનાની પેસ્ટ કાઢવામાં આવી હતી
સુરત એરપોર્ટ જાણે સ્મગલરો માટે મોકળું મેદાન બની ગયુ છે. છાશવારે એરપોર્ટ પર શારજાહની ફ્લાઇટથી સોનુ લાવવાની ઘટનાઓ બની રહી છે. ડીઆરઆઇ અધિકારીઓએ ક્હ્યુ કે અગાઉ કેટલું સોનુ આ રીતે લાવવામાં આવ્યુ હતુ તેની પણ તપાસ ચાલી રહી છે.