અમદાવાદના મીઠાખળીમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું મોત
- કાટમાળ નીચેથી ચાર વ્યક્તિઓને બહાર કઢાયાં
- ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં
- એલિસબ્રિજના ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર દોડી ગયા
અમદાવાદઃ શહેરના મીઠાખળી વિસ્તારમાં 3 માળનું જર્જરીત મકાન ધરાશાયી થતા નાસભાગી મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલી 3 માળની જર્જરિત ઈમારત અચાનક ધરાશાયી થઈ હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ જર્જરિત ઈમારતના કાટમાળ નીચે ઘરમાં રહેલા પરિવારના પાંચ વ્યક્તિ દબાયાં હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ સ્થાનિકોએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કાટમાળ નીચે દબાયેલી ચાર વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
આ બનાવની જાણ થતા એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમિત શાહ તાત્કાલિક ઘટના સ્થલે દોડી ગયા હતા. તેમજ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવા માટે જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના વધી છે. ગોધરામાં એક મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિના મોત થયાં હતા. આ ઉપરાંત અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી જર્જરિત ઈમારત ધરાશાયી અને તેનો કેટલોક ભાગ તુટી પડવાની ઘટનામાં વધારો થયો છે.