ગુજરાતમાં વરસાદનો વિરામ, અત્યાર સુધીમાં 47.63 ટકા વરસાદ
- કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 112 ટકા વરસાદ
- જળાશયોમાં નવા પાણીની આવક
- વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે બુધવારે મેઘરાજાએ વિરામ લીધો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 48 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન 24 કલાકમાં 22 જિલ્લાના 104 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભાવનગરના શિહોરમાં સૌથી વધારે પાંચ ઈંચ અને સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ વાલોડ, ઉમરેલા અને કપરાડામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કચ્છ ઝોનમાં 112 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 65 ટકા વરસાદ વરસ્યો છે. આવી જ રીતે ઉત્તર ગુજરાતમાં 50 ટકા, મધ્ય ગુજરાતમાં 34 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 36 ટકા વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 206 જેટલા જળાશયોમાં 45 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે 22થી વધારે ડેમ છલકાયાં છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં હળવો વરસાદ વરસે તેવી શકયતા છે. રાજ્યના અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ વડોદરા, ખેડા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.