સાણંદના હઠીપુરા ગામના કૂવામાં મોટા અજગરને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી દેવાયો
અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકાના નળ સરોવર પાસે આવેલા હઠીપુરા ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં એક અજગર ફસાઈ ગયો હતો. ગ્રામજનોને જાણ થતાં અજગરને જોવા માટે લોકો દાડી ગયા હતા. કુવામાં ફસાઈ ગયેલા પાંચ ફૂટ લાંબા અજગરને બહાર કાઢવા માટે એનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરવામાં આવતાં તેઓએ મહા મહેનતે અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ બાદ અજગરને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
સાણંદના નળસરોવર રોડ હઠીપુરા ગામના 40 ફુટ ઊંડા કૂવામાં મસમોટો અજગર જોવા મળતા ગામના રોહિત પટેલે એનિમલ લાઇફ કેરમાં ફોન કરીને જાણ કરી હતી. કે ખેતરમાં અંદાજિત 40 ફૂટ ઊંડા કૂવામાં અજગર ફસાઈ ગયો છે. જેની જાણ થતાં જ એનિમલ લાઈફ કેરના વિજય ડાભી તમામ રેસ્ક્યૂના સાધનો સાથે હઠીપુરા ગામે પહોંચ્યા હતા. અજગર કૂવામાં પાણીની અંદર ફરતો હતો. ખેતરમાં રહેતા ગ્રામજનો પણ ગભરાઈ ગયા હતા. ત્યારે અજગરનું રેસ્ક્યૂ ઓપરેશન જોવા આખું ગામ ઉમટ્યું હતું. એક વ્યક્તિને દોરડું બાંધી અને અંદર ઉતારવામાં આવ્યો હતો. કુવામાં સાવચેતીથી તેણે સાપ પકડવાના સાધન વડે અજગરને પકડી લીધો હતો. ત્યાર બાદ ધીરે ધીરે તેને બહાર કાઢવામાં આવ્યો હતો. 1 કલાકથી વધારે મહેનત બાદ અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટની ટીમ સાથે અજગરને છોડી દેવામાં આવ્યો હતો.
એનિમલ લાઈફ કેરના વિજય ડાભીએ જણાવ્યું હતું કે, અજગરનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં સ્થાનિકોની મદદ મળી હતી. કુવામાં અજગર પાંચ ફૂટનો હતો. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે અવારનવાર અજગર નીકળવાની ઘટનાઓ ગામ વિસ્તારમાં બનતી હોય છે. જેથી કોઈએ સાપની ઓળખ ના હોય તો જાતે પકડવાની કોશિશ ન કરવી જોઈએ અને કોઈ પણ સાપને મારવું ન જોઈએ. કારણ કે લોકો અજગરને હજુ પણ ગામડા વિસ્તારમાં ઝેરી સમજીને મારી નાખતા હોય છે. પણ ખરેખર અજગર બિન ઝેરી હોય છે. ક્યારેય પણ અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ. તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો જોઈએ.