ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટર્સ ખાલી ન કરનારા 416 લોકો સામે ઈવિક્શન કોર્ટમાં ફાસ્ટ હિયરિંગ ચાલશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિભાગોની મુખ્ય સરકારી કચેરીઓ આવેલી છે. અને સરકારના કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ નિવૃત બાદ પણ સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. બીજી બાજુ નવા કર્મચારીઓને ક્વાટર્સ મળી શકતા નથી. નિવૃત કર્મચારીઓને ક્વાટર્સ ખાલી કરવા માટે અનેકવાર નોટિસો આપવામાં આવી હોવી છતાં ક્વાટર્સ ખાલી કરવામાં આવ્યા નથી. આથી ક્વાટર્સને ગેરકાયદેસર કબ્જો ધરાવનાર 416 લોકો સામે કલેક્ટર કચેરીની ઇવિક્શન કોર્ટમાં કેસ દાખલ થયા છે. આ તમામ કેસોનું ફાસ્ટ હીયરિંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે નોટીસો આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં સચિવાલય, ખાતાના વડાની કચેરી, ઉદ્યોગ ભવન, જિલ્લાકક્ષાની કચેરીઓ આવેલી હોવાથી સરકારી કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે. કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે શહેરમાં 18 હજારથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે આ પૈકી હાલ 12 હજાર જેટલા આવાસ ઉપયોગમાં લઇ શકાય તેવા છે. સરકારના નિયમ મુજબ નિવૃત્તિ બાદ 3 મહિના પછી સરકારી આવાસ ખાલી કરી દેવું પડે છે પરંતુ શહેરમાં હજુ 416 જેટલા લોકોએ સરકારી આવાસ ખાલી કર્યું નથી. આ તમામના કેસ કલેક્ટર કચેરીની ઇવિક્શન કોર્ટમાં ચાલી રહ્યા છે. આ કેસોના નિકાલ માટે ઇવિક્શન કોર્ટ દ્વારા ફાસ્ટ હીયરીંગ શરૂ કરવામાં આવ્યુ છે. અને બાકી પક્ષકારોને નોટીસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શક્ય એટલા ઝડપથી આ કેસોનો નિકાલ કરાશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં નિવૃત્તિ બાદ પણ સરકારી મકાનનો ગેરકાયદેસર કબ્જો ધરાવનાર 416 લોકો સામે કલેક્ટર કચેરીની ઇવિક્શન કોર્ટમાં કેસ દાખલ થતા ક્વાટર્સમાં રહેતા નિવૃત કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.