દિલ્હી : ભારતીય પર્વતારોહકોના જૂથે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 6,416 મીટરની ઉંચાઈ પર સ્થિત ‘માઉન્ટ બ્રહ્મા-1’ શિખર સર કરીને ઈતિહાસ રચ્યો છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી.
કિશ્તવાડ શહેરની પૂર્વમાં અને હિમાચલ પ્રદેશની સરહદ નજીક સ્થિત માઉન્ટ બ્રહ્મા-1 પડકારરૂપ અને મુશ્કેલ ચઢાણ માટે જાણીતું છે. લગભગ પાંચ દાયકા પહેલા બ્રિટિશ ક્લાઇમ્બર ક્રિસ બોનિંગ્ટન દ્વારા તે પ્રથમ વખત જીતવામાં આવ્યું હતું. શ્રેણીમાં પશ્ચિમથી પૂર્વ સુધી ચાર શિખરોનો સમાવેશ થાય છે – બ્રહ્મા-1, ફ્લેટ ટોપ, બ્રહ્મા-2 અને અર્જુન-1, જેમાં બ્રહ્મા-2 સૌથી વધુ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે,કુશળ અને પ્રતિષ્ઠિત પર્વતારોહકો સહીત પશ્ચિમ બંગાળ સ્થિત સોનારપુર આરોહી ક્લબની નવ સભ્યોની ટીમે મંગળવારે સફળતાપૂર્વક માઉન્ટ બ્રહ્મા-1 શિખર સર કર્યું, અધિકારીએ કહ્યું, “આ પ્રથમ ભારતીય ટીમ છે જેણે શિખર સર કરીને પર્વતારોહણની દુનિયામાં ઇતિહાસ રચીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.”
તેમણે જણાવ્યું કે પર્વતારોહકો દ્વારા શિખર પર ચઢવા માટે અપનાવવામાં આવેલ માર્ગ પણ એક નવી શોધ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આરોહકોના જૂથે શિખરની ઊંચાઈ 6,426 મીટર નોંધી છે, જે ચાર ઉપકરણ રીડિંગના આધારે ટોપો મેપની 6,416 મીટરની ઉલ્લેખિત ઊંચાઈથી થોડી અલગ છે. નવ પર્વતારોહણ સભ્યો અને પાંચ શેરપાએ શિખર પર ચડ્યા, જ્યારે ત્રણ સભ્યોએ બેઝ કેમ્પમાંથી પ્રવૃત્તિઓનું સંકલન કર્યું, એમ તેમણે જણાવ્યું હતું.
ડેપ્યુટી કમિશનર (કિશ્તવાડ) દેવાંશ યાદવે આ સિદ્ધિ માટે આરોહકોના જૂથને અભિનંદન પાઠવ્યા હતા અને પહાડી જિલ્લામાં પ્રવાસન ક્ષમતા અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા વિકાસ અંગે ખુશી વ્યક્ત કરી હતી. “આ સિદ્ધિ કિશ્તવાડ હિમાલયમાં ભાવિ સાહસિક પ્રવાસન માટે નવા માર્ગો ખોલશે,” યાદવે પર્વતારોહકોને પ્રદેશની અજાણી ઊંચાઈઓનું અન્વેષણ કરવા પ્રોત્સાહિત કરતી વખતે જણાવ્યું હતું.