દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગોવામાં જી20 ઊર્જા મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું. ભારતમાં મહાનુભાવોને આવકારતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ભવિષ્ય, સ્થિરતા, વૃદ્ધિ અને વિકાસ વિશે કોઈ પણ ચર્ચા ઊર્જાનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી છે, કારણ કે તેનાથી તમામ સ્તરે વ્યક્તિઓ અને રાષ્ટ્રોનાં વિકાસ પર અસર થાય છે.
વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક દેશ ઊર્જા પરિવર્તન માટે અલગ વાસ્તવિકતા અને માર્ગ ધરાવે છે, તેમ છતાં તેઓ દ્રઢપણે માને છે કે, દરેક દેશનાં લક્ષ્યાંકો સમાન છે. ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશનમાં ભારતના પ્રયાસો પર પ્રકાશ ફેંકતા તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને તેમ છતાં તે તેની આબોહવા પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ તરફ મજબૂતપણે આગળ વધી રહ્યું છે.વડાપ્રધાનએ જાણકારી આપી હતી કે, ભારતે નવ વર્ષ અગાઉ બિન-અશ્મિભૂત સ્થાપિત વીજળીની ક્ષમતાનાં લક્ષ્યાંકને હાંસલ કરી લીધો છે અને પોતાનાં માટે વધારે ઊંચો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વર્ષ 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના ધરાવે છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, “ભારત સૌર અને પવન ઊર્જામાં વૈશ્વિક નેતાઓમાંનું એક છે.” તેમણે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કાર્યકારી જૂથના પ્રતિનિધિઓને પાવાગડા સોલર પાર્ક અને મોઢેરા સોલર વિલેજની મુલાકાત લઈને સ્વચ્છ ઊર્જા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાના સ્તર અને વ્યાપને નિહાળવાની તક મળી છે.
વડાપ્રધાનએ છેલ્લાં 9 વર્ષમાં દેશની ઉપલબ્ધિઓ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે, ભારતે 190 મિલિયનથી વધારે પરિવારોને એલપીજી સાથે જોડ્યાં છે, ત્યારે દરેક ગામને વીજળી સાથે જોડવાની ઐતિહાસિક સિદ્ધિ પણ નોંધાવી છે. તેમણે લોકોને પાઇપ દ્વારા રાંધણ ગેસ પ્રદાન કરવા માટે કામ કરવા પર પણ વાત કરી હતી, જે થોડા વર્ષોમાં 90 ટકાથી વધુ વસ્તીને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમારો પ્રયાસ તમામ માટે સર્વસમાવેશક, સ્થિતિસ્થાપક, સમાન અને સ્થાયી ઊર્જા માટે કામ કરવાનો છે.”
વડાપ્રધાનએ માહિતી આપી હતી કે, વર્ષ 2015માં ભારતે એલઇડી લાઇટનાં ઉપયોગ માટે એક યોજના શરૂ કરીને એક નાનકડું આંદોલન શરૂ કર્યું હતું, જે દુનિયાનો સૌથી મોટો એલઇડી વિતરણ કાર્યક્રમ સાબિત થયો હતો, જે દર વર્ષે આપણને 45 અબજ યુનિટથી વધારે ઊર્જાની બચત કરે છે. તેમણે વિશ્વમાં સૌથી મોટા કૃષિ પંપ સૌરીકરણની પહેલ શરૂ કરવા અને 2030 સુધીમાં ભારતના ઘરેલું ઇલેક્ટ્રિક વાહન બજારના 10 મિલિયન વાર્ષિક વેચાણના અંદાજને પણ સ્પર્શ્યો હતો. તેમણે આ વર્ષે ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના રોલઆઉટની શરૂઆત પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેનો હેતુ ૨૦૨૫ સુધીમાં આખા દેશને આવરી લેવાનો છે. ભારતને ડિકાર્બનાઇઝ કરવા માટે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ તેના વિકલ્પ સ્વરૂપે ગ્રીન હાઇડ્રોજન પર મિશન મોડ પર કામ કરી રહ્યો છે અને તેનો ઉદ્દેશ ભારતને ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો છે.
સ્થાયી, ન્યાયી, વાજબી, સર્વસમાવેશક અને સ્વચ્છ ઊર્જાનાં પરિવર્તનને આગળ વધારવા માટે વિશ્વ જી20 જૂથ તરફ મીટ માંડીને બેઠું છે એ બાબતની નોંધ લઈને વડાપ્રધાનએ ગ્લોબલ સાઉથને સાથે લેવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને વિકાસશીલ દેશો માટે ઓછા ખર્ચે ધિરાણ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ટેકનોલોજીમાં રહેલી ખામીઓ દૂર કરવા, ઊર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને પુરવઠા શ્રુંખલામાં વિવિધતા લાવવાનાં માર્ગો શોધવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાનએ ‘ભવિષ્ય માટે ઇંધણ’ પર જોડાણને મજબૂત કરવાનું સૂચન પણ કર્યું હતું અને નોંધ્યું હતું કે, ‘હાઇડ્રોજન પર ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતો’ એ યોગ્ય દિશામાં એક પગલું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ગ્રિડ ઇન્ટરકનેક્શન્સ ઊર્જા સુરક્ષામાં વધારો કરી શકે છે અને ભારત તેના પડોશીઓ સાથે આ પારસ્પરિક લાભદાયક સહકારને પ્રોત્સાહન આપી રહ્યું છે. “એકબીજા સાથે જોડાયેલી ગ્રીન ગ્રીડની દ્રષ્ટિને સાકાર કરવાથી પરિવર્તન આવી શકે છે. તે આપણને બધાને આબોહવાના લક્ષ્યાંકો હાંસલ કરવા, હરિયાળા રોકાણને પ્રોત્સાહન આપવા અને લાખો હરિયાળી રોજગારીનું સર્જન કરવા સક્ષમ બનાવશે.” તેમણે તમામ સહભાગી રાષ્ટ્રોને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની ગ્રીન ગ્રીડ્સ ઇનિશિયેટિવ – ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’માં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આસપાસનાં વાતાવરણની સારસંભાળ રાખવી એ સ્વાભાવિક કે સાંસ્કૃતિક હોઈ શકે છે, પણ ભારતનું પરંપરાગત જ્ઞાન જ મિશન લાઇફે – જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટને મજબૂત કરે છે, આ એક એવું આંદોલન છે, જે આપણને દરેકને આબોહવા ચેમ્પિયન બનાવશે. સંબોધનના સમાપનમાં, વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણા વિચારો અને કાર્યોએ હંમેશા આપણા ‘એક પૃથ્વી’ ની જાળવણી કરવામાં, આપણા ‘એક પરિવાર’ ના હિતોનું રક્ષણ કરવામાં અને ગ્રીન ‘વન ફ્યુચર’ તરફ આગળ વધવામાં મદદ કરવી જોઈએ, પછી ભલે આપણે ગમે તે રીતે સંક્રમણ કરીએ.