એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે આપણે જવાબદાર નાગરિક તરીકે કામ કરવાનું છે : રેલવે રાજ્યમંત્રી
સુરત: દેશનાં યુવાનોને રોજગાર આપવા માટેના વડાપ્રધાનનાં સંકલ્પને સાકાર કરવા માટે 2022થી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે દેશભરમાં 44 સ્થળે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ખાતે કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા અને કુલ 77 યુવાઓને નિયુક્તિ પત્ર પ્રદાન કર્યા હતા.
સુરતનાં સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝીબિશન કન્વેનશન સેંટર ખાતે આયકર વિભાગ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજે સાતમા રોજગાર મેળામાં નિયુક્તિ પત્ર મેળવનારા યુવાઓએ દેશભરમાં કામ કરી નવું શીખવાનું છે. આપણે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” માટે જવાબદાર નાગરિક તરીકે આપણું શ્રેષ્ઠ પ્રદાન કરવાનુ છે. કર્મયોગી બનીને જ આપણે લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું.
આજનાં આ રોજગાર મેળાનાં માધ્યમથી દેશભરમાં 70 હજાર નિયુક્તિ પત્ર પ્રદાન કરવામાં આવશે. નવી નિયુક્તિ પામતા યુવાન, યુવતીઓના પરિવારજનોને વચેટિયા વગર મળતા આ નિયુક્તિ પત્રથી નવાઈ લાગતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સુરતમાં આયોજિત આ રોજગાર મેળામાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા, ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, ધારાસભ્ય મોહનભાઈ ધોળિયા, મુખ્ય આયકર આયુક્ત એન.આર. સોની સહિત વિવિધ વિભાગોના પ્રમુખ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા એ યુવાનો અને યુવતીઓની આયકર વિભાગમાં 08, પોસ્ટ વિભાગમાં 11, એફસીઆઇમાં 05, SVNIT માં 06, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 01 અને એલ આઈ સીમાં 46 વિવિધ જગ્યાઓ પર પસંદગી કરવામાં આવી છે.