અમદાવાદઃ ગુજરાતમાં નવસારી અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાતા વિકટ સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે અમદાવાદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને લીધે પાણી ભરાતા શહેરના તમામ અંડરબ્રિજ સમીસાંજથી બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરના સરદારનગર, કૂબેરનગરમાં લોકો ઘરમાં પાણી ભરાયા હતા. શહેરમાં સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
શહેરના એસ.જી હાઈવે, વેજલપુરમાં, પ્રહલાદનગર, સેટેલાઈટ, શિવરંજની, નહેરુનગર, શ્યામલ ચાર રસ્તામાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા હતા. પાણીને લીધે અનેક વાહનો બંધ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદના કારણે ઝીરો વિઝિબિલીટી થતા ઘણા વાહનચાલકોએ તો રોડ સાઈડમાં વાહનો પાર્ક કરી દીધા હતા. સમી સાંજે ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યુ હતુ. શહેરમાં ખાબકી રહેલા ધોધમાર વરસાદથી ઓફિસથી ઘરે જઇ રહેલા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ભારે વરસાદને લીધે શહેરના અખબાર નગર અંડરપાસમાં એએમટીએસ બસ ફસાઈ હોવાનો ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને કોલ મળતા ફાયરબ્રિગેડના જવાનોએ ત્વરિત પહોંચીને બસને પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યાર બાદ શહેરના તમામ અન્ડરબ્રિજ બંધ કરી દેવાયા હતા.ભારે વરસાદને લીધે નદીમાં પાણીનું લેવલ વધતા વાસણા બેરેજના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. 12 દરવાજા 3.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
શહેરના ઉસ્માનપુરા, વાડજ, નારણપુરા, નવરંગપુરા, પાંજરાપોળ, યુનિવર્સિટી, એસજી હાઇવે, ઇસ્કોન, થલતેજ, બોપલ સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. એસજી હાઇવે પર ગુરુદ્વારા નજીક ભારે વરસાદના કારણે ટ્રક બંધ પડી જતાં રોડ પર એક કિલોમીટર જેટલી વાહનોની લાઈન લાગી ગઈ હતી.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલની આગાહી કરી હતી. જેને લઇને આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. કાલે તા. 23 જુલાઈને રવિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.