દિલ્હી: ટૂંક સમયમાં ટ્વિટર પર એક મોટો ફેરફાર જોવા મળશે. હવે ટ્વિટરના લોગોમાંથી વાદળી રંગની ચકલીને હટાવવામાં આવી શકે છે . વાસ્તવમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બોસ એલન મસ્કએ રવિવારે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ લોગો ઘણા વર્ષોથી ટ્વિટર પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાય છે અને તે તેની ઓળખ બની ગયો હતો.
એલન મસ્કે ટ્વીટ કર્યું કે, ટૂંક સમયમાં ટ્વિટર બ્રાન્ડનો લોગો એટલે કે ચકલી ને અલવિદા કહેવામાં આવશે. જો આજે રાત્રે સારો X લોગો પોસ્ટ કરવામાં આવશે, તો અમે આવતીકાલે તેને સમગ્ર વિશ્વમાં લાઈવ કરી દેશું.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023
આને ટ્વિટરનું અત્યાર સુધીનું સૌથી મોટું પરિવર્તન કહી શકાય. જો કે, જ્યારથી મસ્કે ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી આ પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો થયા છે. ટ્વિટર હવે સ્વતંત્ર કંપની નથી રહી, કારણ કે તેનું X Corp સાથે મર્જર થઈ ગયું છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક મસ્કનો X લેટર પ્રત્યેનો પ્રેમ નવો નથી. આ વર્ષે એપ્રિલમાં એલન મસ્કએ લિન્ડા યાકારિનોને નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તેણીનું સ્વાગત કરતાં મસ્કે ટ્વીટ કર્યું કે તે પ્લેટફોર્મને X, ધ એવરીથિંગ એપમાં પરિવર્તિત કરવા માટે લિન્ડા સાથે કામ કરવા આતુર છે.
મસ્કે ટ્વિટરને લઈને ઘણા ફેરફારો કર્યા છે. શનિવારે, મસ્કે જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં ડાયરેક્ટ મેસેજ (DM) સંબંધિત મર્યાદા નક્કી કરવા જઈ રહ્યા છે. ડાયરેક્ટ મેસેજ અંગે કેટલાક ફેરફારો કરવામાં આવશે. આ વેરિફાઈડ અને નોન વેરિફાઈડ માટે અલગ હશે.