અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 5 ઇંચ એટલે કે, 118 મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં 94 મિ.મી અને લોધિકા તાલુકામાં 82 મિ.મી., જામનગરના લાલપુરમાં 84 મિ.મી., અમરેલીના બાબરામાં 83 મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 81 મિ.મી. કચ્છના ગાંધીધામમાં 79 મિ.મી. અને સુરત શહેરમાં 75 મિ.મી. વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 74 મિ.મી. ભાવનગરના શિહોરમાં 71 મિ.મી., સુસ્તના ઉમરપાડામાં 70 મિ.મી., ગીર સોમનાથના વેરાવળમાં અને બોટાદના ગઢડામાં 68 મિ.મી., તાપીના ડોલવણમાં 63 મિ.મી., વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં 61 મિ.મી., કચ્છના અંજાર અને મહેસાણાના સતલાસણામાં 60 મિ.મી., નર્મદાના નાંદોદમાં 56 મિ.મી. ગીર સોમનાથના સુત્રાપાડામા અને સાબરકાંઠાના ઇડરમાં 55 મિ.મી.. ભાવનગરના ઉંમરાળામાં 54 મિ.મી., રાજકોટમાં 51 મિ.મી., અને ભરૂચમાં 50 મિ.મી. એમ મળી કુલ 16 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 130 ટકા, સૌરાષ્ટ્રમાં 103 ટકા ઉત્તર ગુજરાતમાં 60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 56 ટકા, પૂર્વ ગુજરાતમાં 54 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી જળાશયોમાં પણ સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી 128.51 મીટર ઉપર પહોંચી છે.