મેધાલયમાં મુખ્યમંત્રીની ઓફીસ પર ટોળાએ કર્યો હુમલો, 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ
દિલ્હીઃ એક બાજુ જ્યાં મણીપુર રાજ્ય હિંસાગ્રસ્ત બન્યું છે તો બીજી તરફ હવે મેઘાલયમાંથી મુખ્યમંત્રી ની ઓફીસ પર ભીડ દ્રારા હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે મેઘાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયની બહાર લોકોના ટોળાએ હંગામો મચાવ્યો. આ હુમલામાં સીએમ કોનરાડ સંગમાની ઓફિસમાં કામ કરતા પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
જાણકારી અનુસાર હુમલા બાદ મુખ્યમંત્રી સંગમા સુરક્ષા જવાનોને મળ્યા હતા. આ હુમલામાં સીએમને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. આ હોબાળો મચાવવાનું કારણ એ છે કે ગારો હિલ્સમાં રહેતા જૂથો તુરા શહેરને મેઘાલયની શિયાળુ રાજધાની બનાવવાની માંગ કરી રહ્યા હતા. આ માટે તેઓ ભૂખ હડતાળ પર પણ બેઠા હતા. પરંતુ, સોમવારે સાંજે તેઓએ સીએમ ઓફિસનો ઘેરાવ કર્યો હતો.
સોમવારે સાંજે જ્યારે સેંકડો લોકો મુખ્યમંત્રી કાર્યાલયની બહાર એકઠા થઈ ગયા અને પથ્થરમારો શરૂ કર્યો ત્યારે સમસ્યા વધી ગઈ. હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. તેમને સીએમ સંગમાની ઓફિસની અંદર લાવવામાં આવ્યા હતા. જ્યારે કોનરાડ સંગમા તેમની સંભાળ લઈ રહ્યા છે. સંગમા સલામત હોવા છતાં તેઓ કાર્યાલયમાંથી બહાર નીકળી શકયા ન હતા કારણ કે વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો.
વતેલી સાંજે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર સેંકડો લોકો એકઠા થવા લાગ્યા. પહેલા તો ટોળાએ નારા લગાવ્યા અને તેમની માંગને લઈને અવાજ ઉઠાવ્યો. ત્યારબાદ ધીમે ધીમે સ્થિતિ વણસી અને ભીડ ખૂબ જ ઉગ્ર બની ગઈ. લોકોએ સીએમ ઓફિસ પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન ઓફિસની સુરક્ષા માટે બહાર તૈનાત પાંચ સુરક્ષાકર્મીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.. સીએમઓએ માહિતી આપી છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ તણાવ અકબંધ છે.