અમદાવાદમાં પોલીસની ડ્રાઈવ, જોખમી ડ્રાઈવિંગ કરનારા 119, પૂર ઝડપે વાહનો હંકારતા 57 પકડાયાં
અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતે 10નો ભોગ લાધા બાદ હવે શહેરમાં બેફામપણે વાહનો હંકારનારા સામે પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઘણા વિસ્તારોમાં લારી-ગલ્લા, દુકાનો 11 વાગ્યા પછી બંધ કરી દેવાની સુચના આપવામાં આવી રહી છે. મોડીરાત સુધી જ્યાં નબીરાઓ ટોળ-ટપ્પા મારવા માટે એકઠા થતા હોય એવા કાફે પણ 11 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. ખાસ કરીને મધરાતે જ્યાં લોકો ભેગા થતા હોય એવી જગ્યાઓ બંધ કરી દેવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે પોલીસે 24 કલાકની અંદર ડ્રન્ક એન્ડ ડ્રાઈવ રેસ ડ્રાઇવિંગ સહિત કુલ 192 કેસ નોંધ્યા છે અને પોલીસ દ્વારા ખાસ કરીને સિંધુભવન સહિતના વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં આજે ગુરૂવારથી પોલીસ અને એએમસીના અધિકારીઓની સંયુક્ત ડ્રાઇવ શરૂ કરાશે. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનારા અને ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસને ટાર્ગેટ પણ અપાયો હોવાનું કહેવાય છે.
શહેરમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ સફાળી જાગેલી પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં શહેરમાં ઓવરસ્પીડના 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ મળીને કુલ 192 કેસ નોંધવામાં આવ્યા છે. હજુ એક સપ્તાહ સુધી પોલીસ ડ્રાઈવ સતત ચાલુ રહેશે. જેમાં ઓવરસ્પીડ, સ્ટંટ કરતા નબીરાઓ અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લાઇસન્સ, હેલ્મેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે
અમદાવાદ શહેરના કાગડાપીઠ, નારોલ, દાણીલીમડા, શાહીબાગ, નરોડા જેવા અલગ અલગ વિસ્તારોમાં ખુદ પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં ઊતરીને કાર્યવાહી કરી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને મોડી રાતે ઝોન ફોર ડીસીપી કાનન દેસાઈ, ડીસીપી મુનિયા અને પોલીસ અધિકારીઓ ફિલ્ડ પર હાજર રહીને તમામ એવા વિસ્તારો પર જાતે જઈને કાર્યવાહી કરી હતી, જ્યાં લોકો ભેગા થઈ રહ્યા હતા. આગામી સમયમાં પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ રહેશે એવું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે.
શહેરના રોડ તથા હાઈવે પર સ્ટંટબાજી કરી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા સ્ટંટબાજો તેમજ ઓવરસ્પીડે વાહન હંકારતા લોકો તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા દરેક જિલ્લાના અધિકારીઓને ડીજીપીએ આદેશ આપ્યો હતો.