ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે 5000 પાનાની ચાર્જશીટ, તેના મિત્રો બન્યા સાક્ષી
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ સામે મજબુત પુરાવા એકઠા કરીને 5000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવી છે. જે આજે ગુરૂવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે, આ ચાર્જશીટમાં અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો, અને સાંયોગિક પુરાવાઓ જોડવામાં આવ્યા છે.એટલું જ નહીં જે સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા છે, એમાં તથ્યના કારમાં બેઠેલા મિત્રોનો પણ સમાવેશ થાય છે. પોલીસે ચાર્જશીટ તૈયાર કરવામાં કોઈ છટકબારી રાખી નથી આ અંગે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીએ આ ગુનાને ગંભીર ગણાવી એક્સપર્ટની મદદ લઈ તપાસ કરી હોવાનો પણ ખુલાસો કર્યો છે.
શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે કાર ચલાવીને 10 વ્યક્તિઓના મોત નિપજાવનારા આરોપી તથ્ય પટેલને કડકમાં કડક સજા થાય તે માટે કેસની તપાસ નિષ્ણાતોની મદદ લઈને પૂર્ણ કરીને ચાર્જશીટ તૈયાર કરવાની ગૃહ વિભાગે સુચના આપી હતી. સરકારના હુકમ પ્રમાણે તપાસ એક સપ્તાહમાં પૂર્ણ કરવાની હતી. જે સમગ્ર કેસની તપાસ પૂર્ણ થવાના આરે છે. સમગ્ર મુદ્દે તટસ્થ તપાસ ટ્રાફિક પોલીસે કરી હોવાનો દાવો પણ કર્યો છે. ઉપરાંત તપાસમાં ત્રીજા અકસ્માત સાંતેજ ખાતે થયો એની હકિકત પણ કેસ સાથે જોડવામાં આવી છે. જગુઆર કારના મોડા રજિસ્ટ્રેશનને લઈને પોલીસે RTOને રિપોર્ટ કરશે. જે અંગે RTO દ્વારા તથ્ય વિરુદ્ધ કે કાર માલિક વિરુદ્ધ કાર્યવાહી પણ કરશે.
તથ્ય પટેલ અકસ્માત કેસમાં પોલીસ 5000 પાનાની ચાર્જશીટ આજે કોર્ટમાં રજૂ કરશે. તથ્ય મામલે પોલીસે મોટી તૈયારી કરી લીધી છે. તથ્યના કેસની તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે કોર્ટમાં તમામ કાગળો રજુ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસમાં 308ની કલમ દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે. તથ્ય પટેલના વાળના આવેલા DNA રિપોર્ટ પરથી સાબિત થઈ ગયું છે કે કાર તથ્ય પટેલ ચલાવતો હતો. ડ્રાઈવિંગ સીટ પર તથ્ય પટેલના વાળ મળ્યા હતા. ત્યારબાદ તેના વાળનો ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ તથ્ય સાથે મેચ થઈ ગયો છે.