જામનગર: સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે કૂદરતે જાણે લીલી ચાદર ઓઢી હોય તેમ ચારેબાજુ લીલોતરી જોવા મળી રહી છે. જામનગરના ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં તો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ખરા અને મીઠાં પાણીના સરોવરમાં રંગબેરંગી પક્ષીઓનો મધુર કલરવ જોવા મળી રહ્યો છે. અહીં પક્ષીઓ માટેના વનસ્પતિ-વેજિટેબલ ઉગી નીકળ્યા છે. જેથી લોકલ માઇગ્રેટેડ પક્ષીઓનું પ્રમાણ વધી ગયું છે. પક્ષી અભ્યારણ્ય ચોમાસાના ચાર મહિના પ્રવાસીઓ માટે બંધ હોવાથી પક્ષીઓ પણ કોઈપણ પ્રકારની ખલેલ વિના પ્રકૃતિની મોજ માણી રહ્યા છે.
જામનગર જિલ્લાની ભૌગોલિક રચના એવી સુંદર છે કે, તેની આસપાસ અનેક કુદરતી સ્થળો આવેલા છે જેને જોવા લોકો દૂર દૂરથી આવે છે. તો કેટલાક એવા પણ સ્થળો છે, જ્યાં મનુષ્ય સિવાય પશુપંખીઓને પણ વાસવાટ કરવાનું પસંદ કરે છે. આવું જ એક રમણીય સ્થળ એટલે ખીજડીયા પક્ષી અભ્યારણ, કે જ્યાં હાલ ચોમાસાની સીઝન દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જામનગર શહેરથી માત્ર 8થી 10 કિમીના અંતરે ખીજડીયા પક્ષી અભ્યારણ આવેલું છે. આ એ જ સ્થળ છે જ્યાં વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મોંઘેરા મહેમાન બને છે. દેશભરમાંથી વિવિધ પક્ષીઓ અહીં બે મહિના આવે છે. તો ચોમાસા દરમિયાન તો આ સ્થળનો નજારો જ કંઇક અલગ હોય છે. દરિયા જેવા દેખાતા મીઠા અને ખારા પાણીના તળાવ છે, ચારે બાજુ લીલીછમ વનરાઈઓ ખીલેલી નજરે પડી રહી છે. ખીજડીયા પક્ષી અભ્યારણના વન અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે સારો વરસાદ પડતા ખીજડીયા પક્ષી અભ્યારણનો નજારો ચારે બાજુ ખીલી ઉઠ્યો છે. અહીં પક્ષીઓ માટેના વનસ્પતિ-વેજિટેબલ ઉગી નીકળ્યા છે. જેથી લોકલ માઇગ્રેટેડ પક્ષીઓનું પ્રમાણ વધી ગયું છે. ચોમાસાનું આહલાદક વાતાવરણ અને ચારે બાજુ ખીલેલી પ્રકૃતિથી પક્ષીઓને મોજ પડી જાય છે. ચોમાસાના ત્રણ મહિના પક્ષીઓ માટે બ્રીડિંગ અને નેસ્ટિંગ માટે પરફેક્ટ વાતાવરણ બની ગયું છે. આથી જ સરકાર દ્વારા ચોમાસાના ચાર મહિના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દે છે. શાંત વાતાવરણ અને પ્રકૃતિ વચ્ચે રહીને પક્ષીઓને કોઈ ડિસ્ટર્બ ન થાય તે માટે ચોમાસાના ચાર મહિના ખીજડીયા પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે