ઈસ્કોન બ્રિજ દૂર્ઘટના કેસઃ તથ્ય પટેલની સામે ચાર્જશીટ ફાઈલ, DNA-FSLનો રિપોર્ટ પણ રજુ કરાયો
અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કેસમાં પોલીસે તપાસમાં મહત્વના પુરાવા એકત્ર કર્યાં છે. દરમિયાન પોલીસે આરોપી તથ્ય પટેલની સાથે 1700 પેજનું પુરાવા સાથેનું ચાર્જશીટ ફાઈલ કર્યું છે. તથ્ય પટેલની સામે કાનૂની ગાળિયો કરવા માટે મનુષ્યવધની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં પુરાવા તરીકે ડીએનએ-એફએસએલનો રિપોર્ટ, કારનો રિપોર્ટ તથા સાક્ષીઓના નિવેદન પણ રજુ કર્યાં હતા. આમ પોલીસે ગણતરીના દિવસોમાં જ નવ-નવ નિર્દોશોનો જીવ લેનાર કાર ચાલક તથ્ય પટેલની ચાર્જશીટ ફાઈલ કરી છે.
ટ્રાફિક DCP નીતા પટેલે ચાર્જશીટ અંગે વાત કરીને જણાવ્યું કે, અકસ્માતનો આ પહેલો કિસ્સો હશે કે જેમાં આટલા ટૂંકા સમયમાં સારામાં સારી તપાસ થઈ અને તથ્યને વધુમાં વધુ સજા થાય એ રીતે અમે ચાર્જશીટ કરી છે. ડીસીપીએ જણાવ્યું કે ચાર્જશીટના પાના 1700 જેટલા છે.
ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માત્ર સાત દિવસમાં જ આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરવાની જાહેરાત કરી હતી. પોલીસે પણ ગુનાની ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે જગુઆર કંપનીનો રિપોર્ટ પણ મેળવ્યો હતો. જેગુઆર કારની તપાસનો રિપોર્ટ તેની કારની ગતિ સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એફએસએલ અને આરટીઓએએ પણ ઈસ્કોનબ્રિજ ઉપર તપાસ કરી હતી. જેનો રિપોર્ટ પણ બંને એજન્સીઓ પોલીસને સોંપ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં બનાવ સમયે કારમાં તથ્ય પટેલની સાથે હાજર પાંચ મિત્રોને પણ તાજના સાક્ષીઓ બનાવ્યાં છે. આ સાક્ષીઓ સહિત લગભગ 50 જેટલા સાક્ષીઓના નિવેદન નોંધ્યાં છે. ચાર્જશીટમાં સાક્ષીઓના નિવેદનનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે આજે અદાલતમાં ચાર્જશીટ રજુ કરી હતી. હવે આરોપી સામે ચાર્જફેમની કાર્યવાહી કરવામાં આવશે.