જ્ઞાનવાપી સંકુલમાં સર્વે મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો
લખનૌઃ જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ગુરુવારે સુનાવણી પૂર્ણ થતા ચુકાદો તા. 3 ઓગસ્ટ સુધી અનામત રાખવામાં આવ્યો છે. તેમજ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ASIના સર્વે પરનો પ્રતિબંધ યથાવત રખાયો છે. હવે વચગાળાનો આદેશ 3 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિએ ASI સર્વે સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે. 21 જુલાઈના રોજ વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે વિવાદિત ભાગ સિવાય સમગ્ર સંકુલનો સર્વે કરવામાં આવે.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું છે કે નિર્ણય 3 ઓગસ્ટ સુધી અનામત રખાયો છે. મુહમ્મદ ગઝનવીથી લઈને ભારતના મંદિરોને ઘણી વખત તોડી પાડવામાં આવ્યા હતા. જ્ઞાનવાપી પણ પહેલા મંદિર હતું અને આઝાદી પછી દરેકને પૂજા કરવાનો અધિકાર મળ્યો. જ્ઞાનવાપી ભવન એક જૂનું હિન્દુ મંદિર છે. આ પછી ન્યાયાધીશે કહ્યું કે, જો તેને તોડી નાખવામાં આવ્યું તો મંદિર હજુ પણ કેવી રીતે છે. વિષ્ણુ જૈને કહ્યું કે તેનું નિર્માણ અહિલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. મંદિર તોડીને ઔરંગઝેબે જે મસ્જિદનું બાંધકામ શરૂ કર્યું હતું તે પૂર્ણ થઈ શક્યું નથી. આ તો વર્તમાન સ્વરૂપ છે, વિશ્વેશ્વર આજે અહીં બેઠા છે. સદીઓથી તેની પૂજા કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વારાણસીની જિલ્લાની અદાલતે જ્ઞાનવાપી સંકુલમાં એએસઆઈ સર્વેની મંજુરી આપી હતી. તેમજ તા. 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો રિપોર્ટ રજુ કરવા માટે કોર્ટે આદેશ કર્યો હતો.