ગુજરાતમાં દશામાની મૂર્તિ વિસર્જન સમયે ત્રણ સ્થળોએ 8 ડુબ્યાં, 5ના મોત, 3 હજુ લાપત્તા
અમદાવાદઃ રાજ્યભરમાં દશામા મહોત્સવ ભારે આનંદોલ્લાસથી ઊજવાયો હતો. દરમિયાન દશામાના મૂર્તિના વિસર્જન માટે તમામ નદીઓ અને તળાવોમાં ભાવિકો ગયા હતા. જેમાં વડાદરા નજીક મહી નદીમાં બે સ્થળોએ ડુબી જવાના બમાવો બનતા પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં બે વ્યક્તિના મૃતહેહો મળ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓનો હજુ કોઈ ભાળ મળી નથી. જ્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી પસાર થતી શેલ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ લોકોના નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આમ ત્રણ સ્થળોએ 8 વ્યક્તિઓ ડૂબ્યા હતા. જેમાં પાંતના મોત નિપજ્યા હતા.
વડોદરા શહેર-જિલ્લામાં ઉત્સાહભેર ઊજવાતો દશામા મહોત્સવ માતમમાં પરિણમ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 5 યુવાન ડૂબી ગયા હતા, જેમાં વડોદરા નજીક સિંઘરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાન અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાન ડૂબી ગયા હતા. આ બનાવોની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતાં લાશ્કોરની અલગ-અલગ ટીમો પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી, જેમાં ફાયરબ્રિગેડને બે યુવકના મૃતદેહ મળ્યા છે. તો હજુ 3 યુવાનની શોધખોળ ચાલુ છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી પસાર થતી શેલ નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ લોકોના નદીમાં ડૂબી જવાથી મોત નિપજતા ખુશીનો પ્રસંગમાં માતમ છવાયો છે. અમરેલીના 10થી વધુ લોકો ધારીના લાખાપાદર ગામ પાસેથી પસાર થતી શેલ નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન માટે ગયા હતા. મૂર્તિનું વિસર્જન કરી લોકો નહાવા પડ્યા હતા. ત્યારે જ અકસ્માતે સગા ભાઈ-બહેન અને કાકા ડૂબી જતા ત્રણેયના મોત નિપજ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી શહેરમાં રહેતા કિશોરભાઈ ડાંગર, ભત્રીજો રાજવીર ડાંગર, ભત્રીજી ગોરલબેન ડાંગર તેમના અન્ય પરિવારજનો સાથે આજે દશામાની મૂર્તિના વિસર્જન માટે ધારીના લાખાપાદર નજીક આવેલા બુદ્ધેશ્વર મહાદેવ મંદિરે ગયા હતા. અહીંથી પસાર થતી શેલ નદીમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકો નદીમાં નહાવાની મજા લઈ રહ્યા હતા ત્યારે જ કિશોરભાઈ, રાજવીર અને ગોરલ અકસ્માતે ડૂબી જતા મોત નિપજ્યા હતા.
બીજા બનાવની વિગતો એવી જાણવા મળી છે, કે, વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ માછી (ઉં.વ.23)ના ઘરે દશામાની સ્થાપના કરી હતી. ઉત્સાહભેર દશામાની ઉજવણી કર્યા બાદ વહેલી સવારે તેઓ પરિવાર સાથે વડોદરા નજીક સિંઘરોટ મહી નદી ઉપરના ચેકડેમ પાસે વિસર્જન કરવા માટે ગયા હતા. તેની સાથે કિશનવાડીમાં જ રહેતો હોમગાર્ડમાં ફરજ બજાવતો 24 વર્ષીય સાગર જગદીશભાઇ કુરી પણ ડૂબી ગયો હતો. મૂર્તિનું વિસર્જન કરવા માટે પ્રજ્ઞેશ માછી ચેકડેમ પાસે જતાં ધસમસતા મહી નદીના પાણીમાં તણાવા લાગ્યો હતો. પ્રજ્ઞેશે બચાવવા માટે બૂમો પાડતાં તેનો મિત્ર સાગર કુરી પાણીમાં કૂદી પડ્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે પણ તણાવા લાગ્યો હતો અને જોતજોતાંમાં બંને મિત્રો લાપત્તા થઇ ગયા હતા. આ દરમિયાન બનાવની જાણ સાગર કુરીના હોમગાર્ડમાં નોકરી કરતા મિત્ર જયેશભાઇ શર્માને કરાતાં તેઓ અન્ય હોમગાર્ડ જવાનો સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ અંગેની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરતાં લાશ્કરોએ સ્થળ પર દોડી જઇ શોધખોળ શરૂ કરી હતી.
કિશનવાડીમાં રહેતા પ્રજ્ઞેશ માછી અને સાગર કુરી મહી નદીમાં ડૂબી જવાથી લાપત્તા થતાં, નદી કિનારે પરિવારજનોનું હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ, કિશનવાડીમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. દશામાની ઉજવણીનો ઉત્સાહ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં તે પણ સ્થળ પર દોડી ગઇ હતી. બન્ને યુવકની શોધખોળમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાન સંજય પૂનમભાઇ ગોહિલ (ઉં.વ. 32), કૌશિક અરવિંદભાઇ ગોહિલ (ઉં.વ. 20) અને વિશાલ રતિલાલ ગોહિલ (ઉં.વ.15) આજે વહેલી સવારે પરિવારજનો સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં ગયા હતા. મૂર્તિઓના વિસર્જન સમયે મહી નદીના ધસમસતા પાણીમાં એક પછી એક ત્રણે યુવાને એક-બીજાને બચાવવા જતાં ડૂબી જતા લાપત્તા થયા હતા. એક જ ગામના ત્રણ યુવાન એકસાથી ડૂબી જતાં રણછોડપુરા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. ગામના લોકો નદી કિનારે દોડી આવ્યા હતા. તો બીજી બાજુ નદી કિનારે ત્રણે યુવાનોનાં પરિવારજનોના આંક્રદે ગમગીની ફેલાવી દીધી હતી.