અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વન-ડે વર્લ્ડકપ મેચની તારીખમાં ફેરફાર શક્યતા
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની વન-ડે વર્લ્ડકપ રમાવાની હોવાથી ક્રિકેટરસિયાઓમાં ભારે હર્ષ જોવા મળી રહ્યો છે. જો કે મેચને હજુ ત્રણ મહિના જેટલો સમય બાકી છે. પણ ક્રિકેટરસિયાઓ તે ઘડીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. BCCI સેક્રેટરી જય શાહે એનો સંકેત આપ્યો હતો.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2023) ના 13મી સિઝન ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાશે. 10 ટીમોની આ ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. મેગા ટૂર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામેનો મહામુકાબલો (India vs Pakistan) 15 ઓક્ટોબરે નક્કી છે. એવા અહેવાલ હતા કે 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. BCCI સેક્રેટરી જય શાહે એક મોટું અપડેટ આપ્યું છે.
BCCI ના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં રમાનારા વર્લ્ડ કપના શિડ્યુલમાં ફેરફાર થવાની સંભાવના છે. સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પરંતુ તારીખોમાં ફેરફાર થઈ શકે છે. અમને 2-3 રાજ્ય એસોસિએશન તરફથી વર્લ્ડ કપમાં શેડ્યૂલ બદલવાની વિનંતીઓ મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે જે તારીખ નક્કી કરવામાં આવી છે તે નવરાત્રિના પ્રથમ દિવસે છે અને આ દરમિયાન ગુજરાતમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને ટૂર્નામેન્ટના શેડ્યુલમાં ફેરફાર કરવાની સલાહ આપી છે. કારણ કે નવરાત્રિ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી વર્લ્ડકપની આ મેચની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે તો પ્રશંસકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ મેચ માટે પોતાનો પ્રવાસ પ્લાન ફાઈનલ કર્યો છે. કારણ કે પછી તેઓએ તમામ આયોજન નવેસરથી કરવું પડશે.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ શાનદાર છે. વન-ડે વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતે પાકિસ્તાનને 7 વખત હરાવ્યું છે. પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપમાં ભારત સામે ક્યારેય જીતી શકી નથી. ઓડીઆઈ વર્લ્ડકપમાં છેલ્લી વખત ભારત અને પાકિસ્તાન 2019ના વર્લ્ડ કપમાં સામસામે આવ્યા હતા. આ માર્કી ટુર્નામેન્ટમાં બંને ટીમો આઠમી વખત ટકરાશે.